શનિવાર, 5 જાન્યુઆરી, 2013

રંગબેરંગી પતંગો ચગાવીને ઉજવાતું સૂર્યપૂજા, ઓજસ્વિતા અને પ્રગતિનું પર્વ : ઉત્તરાયણ





શ્રીમદ્‌ ભગવદગીતાના આઠમા અધ્‍યાયમાં ભગવાન શ્રીકૃષ્‍ણે ઉત્તરાયણ માટે એમ કહયું છે કે, હે અર્જુન ! જે કાળમાં પ્રાણ ત્‍યાગવાથી મનુષ્‍યને પુનઃ જન્‍મ લેવો પડતો નથી તે કાળ કયો છે તે હું તને સમજાવું. જેમને બ્રહ્મનું જ્ઞાન થઇ ગયું હોય તે યોગદિવસના પ્રકાશ (ઉત્તરાયણ)માં પોતાનું શરીર છોડે છે, તેમને પુનર્જન્‍મ લેવો પડતો નથી, કદાચ ઉત્તરાયણના આ મહત્‍વને કારણેજ ભીષ્‍મે મકરસંક્રાંતિ અથવા ઉત્તરાયણના દિવસે પોતાના પ્રાણ ત્‍યાગ્‍યા હતા. સૂર્યના ઉત્તરાયણના મહત્‍વને છાંદોગ્‍ય ઉપનિષદમાં પણ વર્ણવાયું છે.

         લોકબોલીમાં ખીહર તરીકે ઓળખાતી ઉત્તરાયણ આમ તો સૂયપૂજા, ઓજસ્‍વિતા અને પ્રગતિનું પર્વ છે, જે ભૌગોલિક અને ખગોળીય કારણોસર ૧૪મી જાન્‍યુઆરીએ ઉજવાય છે.

         તલ-મમરાના લાડુ અને પતંગોત્‍સવથી ઉજવાતો આ તહેવાર દર વર્ષે તા.૧૪ જાન્‍યુઆરીએ ઉજવાય છે તેની પાછળ ખગોળશાષાની એક ઘટના છે. આપણે જાણીએ છીએ કે નભમંડળના ગ્રહો અને નક્ષત્રો સતત ગતિશીલ હોય છે, એમની સ્‍થિતિ કયારેય એક સરખી હોતી નથી, વળી પૃથ્‍વી પોતાની ધરી ઉપર પણ સતત ફરતી રહે છે. પૃથ્‍વીની ગોળાકાર આકૃતિ અને તેના ભ્રમણને કારણે જ દિવસ-રાત થાય છે. પૃથ્‍વીનો જે ભાગ સૂર્યની સામે રહે ત્‍યાં દિવસ અને બાકીના ભાગમાં રાત રહે છે. આ થઇ પૃથ્‍વીની રોજીંદી ગતિ. આ જ રીતે પૃથ્‍વીની વાર્ષિક ગતિ પણ છે. સૂર્યની આસપાસ એક પરિભ્રમણ પુરૂં કરતા પૃથ્‍વીને ૩૬૫ દિવસ લાગે છે. જયારે સૂર્યની ગતિ દક્ષિણથી ઉત્તર તરફ રહે ત્‍યારે તેને ઉત્તરાયન અને જયારે સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ રહે ત્‍યારે દક્ષિણાયન કહેવાય છે. આમ સૂર્યની દક્ષિણથી ઉત્તર તરફથી ગતિના પ્રારંભનો દિવસ એ જ ઉત્તરાયણ કે આપણી ઉતરાણ.

         આખું યે વર્ષ ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બે ભાગમાં વહેંચાય છે. જે રાશિમાં સૂર્યની કક્ષાનું પરિવર્તન થાય એને સંક્રમણ અથવા સંક્રાંતિકાળ કહે છે. દર વર્ષે તા.૧૪ જાન્‍યુઆરીએ સૂર્ય દક્ષિણાયનમાંથી પરિવર્તન પામીને ઉત્તરાયણમાં જાય છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે, આથી જ તેનું બીજું નામ મકરસંક્રાંતિ પણ છે.

         હિન્‍દુ ધર્મના મોટા ભાગના દેવી-દેવતાઓની ઉત્‍પત્તિ ઉત્તર ગોળાર્ધમાં થઇ હોવાનું મનાય છે અને આપણો દેશ પણ પૃથ્‍વીના ઉત્તરી ગોળાર્ધ તરફ છે. આથી સૂર્યની ઉત્તરાયણ સ્‍થિતિને આપણા દેશમાં શુભ મનાય છે.

         આ દિવસથી જ દિવસ લાંબો થતો જાય છે અને રાત્રી ક્રમશઃ ટૂંકી થતી જાય છે, આમ પ્રકાશમાં વૃધ્‍ધિ થાય છે. અને તેથી જ આ પર્વને અંધકારથી પ્રકાશ તરફનું પરિવર્તન માનીને શુભ માનવામાં આવે છે. ખગોળશાષાીય ફેરફારોને કારણે આ દિવસે પવન પણ સારા એવા પ્રમાણમાં હોય છે અને તેનો લાભ લઇને પ્રજા આ પર્વને પતંગ પર્વ તરીકે  ઉજવે છે.

         પતંગની વાત નીકળી છે તો ચાલો, દુનિયાભરના દેશોમાં ચગાવતા પતંગો વિશે થોડી જાણકારી મેળવીએ. પતંગની ઉત્‍પતિ વિશે જાત જાતની માન્‍યતાઓ છે. એક માન્‍યતા મુજબ ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં ગ્રીક વૈજ્ઞાનિક આર્કાઇટસે પતંગની શોધ કરી તો બીજી એક માન્‍યતા મુજબ એ પહેલા પણ એશિયાઇ લોકોમાં પતંગ ચગાવવાની રમત લોકપ્રિય હતી. પણ સર્વસંમત માન્‍યતા મુજબ ચીનને પતંગનો શોધક દેશ માનવામાં આવે છે અને ત્‍યાંથી જાપાનમાં થઇને પતંગ અહીં ભારતમાં આવી હશે તેમ મનાય છે.

         વિશ્વભરમાં પતંગનો ધાર્મિક, સામાજિક કે વૈજ્ઞાનિક રીતે ઉપયોગ થયો છે પણ, પૂર્વના દેશોમાં તેને પૃથ્‍વી અને સ્‍વર્ગ વચ્‍ચે સબંધ સ્‍થાપવાના પ્રતિક તરીકે મૂલવવામાં આવે છે.

         ઇન્‍ડોનેશિયા, મલેશિયા વગેરે દેશોમાં પતંગનો ઉપયોગ માછલી પકડવા માટે થાય છે. હોડકામાં બેસીને પાંદડાની મોટી પતંગ ચગાવાય છે જેમા લટકાવેલી દોરીમાં આંકડી હોય છે અને તેના ઉપયોગથી માછલી પકડાય છે. થાઇલેન્‍ડમાં પતંગ ઉડાડવાની ક્રિયા ધાર્મિક પરંપરાનું અંગ છે તો બેંગકોકમાં દર વર્ષે ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમ્‍યાન પતંગો ચગાવાય છે. અહીં પતંગ ઉડાડવાની હરીફાઇ પણ થાય છે. ચીનમાં પતંગ ઉડાડવાથી ભૂતપ્રેતની છાયા દૂર થતી હોવાનું મનાય છે અને ત્‍યાં અજગર આકારની પતંગ ખૂબ લોકપ્રિય છે. ન્‍યુઝીલેન્‍ડમાં પતંગ ચગાવતી વખતે લોકો સમૂહમાં પ્રાર્થના કરે છે અને ધાર્મિક સૂત્રો લખેલ પતંગો અને ફાનસો ઉડાડાય છે. જાપાનમાં પતંગો ઉડાડવાથી દેવતાઓ પ્રસન્ન થતા હોવાની લોકવાયકા છે.

         આપણે ત્‍યાં પણ છેલ્લા કેટલાંક વર્ષોથી જાત જાતના સંદેશાઓ અને પ્રચાર માટે પતંગોનો ઉપયોગ થવા લાગ્‍યો છે. ગુજરાત રાજય પ્રવાસન નિગમ પણ ઉત્તરાયણના દિવસે જુદા જુદા સ્‍થળોએ કાઇટ ફેસ્‍ટીવલનું આયોજન કરે છે.

         આમ, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, ધર્મ અને મનોરંજનના સમન્‍વય જેવો તહેવાર ઉત્તરાયણ આબાલ વૃધ્‍ધ સહુને પ્રિય છે.
......