શુક્રવાર, 13 જૂન, 2025

આતંકવાદીઓના અડ્ડાઓનું નામનિશાન મીટાવી દેનાર કામીકેઝ ડ્રોન





આતંકવાદીઓના અડ્ડાઓનું નામનિશાન મીટાવી દેનાર ‘ ઓપરેશન સિંદુર’ માં સ્કાલ્પ મિસાઈલ અને કામીકેઝ ડ્રોનનો ઉપયોગ થયો હતો .

ચાલો જાણીએ આ કામીકેઝ ડ્રોન શું છે?
કામીકેઝ ડ્રોન, જેને લોઇટરિંગ મ્યુનિશન અથવા સુસાઇડ ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારનું માનવરહિત હવાઈ વાહન (UAV) છે જે વિસ્ફોટકોથી સજ્જ હોય છે અને દુશ્મનના લક્ષ્ય પર ત્રાટકવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. આ ડ્રોનનું નામ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની પાઇલટો દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલાઓ પરથી પડ્યું છે.

કામીકેઝ ડ્રોનની વિશેષતાઓ:
આ ડ્રોન્સ લક્ષ્ય વિસ્તારની ઉપર અમુક સમય માટે ભટકી શકે છે અને ચોક્કસ લક્ષ્ય દેખાય તેની રાહ જોઈ શકે છે. આનાથી છુપાયેલા અથવા ટૂંકા સમય માટે દેખાતા લક્ષ્યો પર હુમલો કરવાનું શક્ય બને છે.
કામીકેઝ ડ્રોન સામાન્ય રીતે એક વખતના ઉપયોગ માટે બનાવવામાં આવે છે. હુમલો કર્યા પછી તે નાશ પામે છે. આથી તેની ડિઝાઇન ખર્ચની દ્રષ્ટિએ પોષાય તેવી રાખવામાં આવે છે.
તેમાં લક્ષ્યને નષ્ટ કરવા માટે વિસ્ફોટક વોરહેડ લગાવેલું હોય છે.
આધુનિક કામીકેઝ ડ્રોન્સમાં જીપીએસ, ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ (INS) અને ક્યારેક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જે તેમને ચોક્કસ લક્ષ્ય પર હુમલો કરવામાં મદદ કરે છે.
કેટલાક ડ્રોનને દૂરથી માનવ દ્વારા નિયંત્રિત કરી શકાય છે, જ્યારે કેટલાક લક્ષ્યને ઓળખીને આપમેળે હુમલો કરવા માટે પ્રોગ્રામ કરી શકાય છે.
ઘણા કામીકેઝ ડ્રોન નાના અને પ્રમાણમાં સસ્તા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં તૈનાત કરી શકાય છે.

કામીકેઝ ડ્રોનના ઉપયોગો:
લક્ષિત હુમલા: દુશ્મનના કમાન્ડ સેન્ટર, શસ્ત્રાગાર, વાહનો અને અન્ય મહત્વપૂર્ણ લક્ષ્યો પર ચોકસાઈથી હુમલો કરવા માટે.
દુશ્મનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને દબાવવા (SEAD): દુશ્મનની રડાર સિસ્ટમ અને મિસાઇલ લોન્ચરને નષ્ટ કરવા માટે.
આતંકવાદ વિરોધી કાર્યવાહી: આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કરવા માટે.
સરહદ સુરક્ષા: સરહદ પર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને જરૂર પડે તો હુમલો કરવા માટે.
જાસૂસી અને દેખરેખ (ISR): કેટલાક કામીકેઝ ડ્રોનમાં કેમેરા અને સેન્સર લગાવેલા હોય છે, જે દુશ્મનની સ્થિતિ અને ગતિવિધિઓ વિશે માહિતી પ્રદાન કરે છે.
શહેરી યુદ્ધ: સાંકડી જગ્યાઓ અને ભીડભાડવાળા વિસ્તારોમાં ચોકસાઈથી હુમલો કરવા માટે.
એન્ટી-ટેન્ક મિશન: કેટલાક કામીકેઝ ડ્રોનને ટેન્ક જેવા ભારે સશસ્ત્ર વાહનોને નષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
…

કામીકેઝ ડ્રોનમાં વિવિધ પ્રકારની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ: ડ્રોનની ઉડાનને નિયંત્રિત કરે છે અને તેને સ્થિર રાખે છે.
નેવિગેશન સિસ્ટમ: જીપીએસ, INS અથવા અન્ય સેન્સરનો ઉપયોગ કરીને ડ્રોનને તેના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે.
કોમ્યુનિકેશન સિસ્ટમ: ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન સાથે ડ્રોનનો સંપર્ક જાળવી રાખે છે.
સેન્સર અને કેમેરા: લક્ષ્યને ઓળખવા અને ટ્રેક કરવા માટે ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ કેમેરા, થર્મલ ઇમેજર અથવા રડારનો ઉપયોગ થાય છે.
વોરહેડ અને ફ્યુઝ: લક્ષ્ય પર વિસ્ફોટ કરવા માટે વિવિધ પ્રકારના વિસ્ફોટકો અને ડિટોનેશન મિકેનિઝમનો ઉપયોગ થાય છે.
પ્રોપલ્શન સિસ્ટમ: ડ્રોનને હવામાં ઉડવા માટે ઇલેક્ટ્રિક મોટર અથવા નાનું જેટ એન્જિનનો ઉપયોગ થાય છે.
ડેટા લિંક: ડ્રોન દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીને ગ્રાઉન્ડ સ્ટેશન પર મોકલવા માટે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): કેટલાક આધુનિક ડ્રોનમાં ઓટોનોમસ ટાર્ગેટ રેકગ્નિશન અને ટ્રેકિંગ માટે AI નો ઉપયોગ થાય છે.
કામીકેઝ ડ્રોન આધુનિક યુદ્ધમાં એક મહત્વપૂર્ણ સાધન બની ગયા છે, જે સૈન્ય કાર્યવાહીની રીતને બદલી રહ્યા છે. તેમની ચોકસાઈ, ઓછી કિંમત અને લક્ષિત હુમલા કરવાની ક્ષમતા તેમને અસમપ્રમાણ યુદ્ધ અને પરંપરાગત લશ્કરી કાર્યવાહી બંનેમાં અસરકારક બનાવે છે.
courtesy: Harish Modha

કાગડો બિમાર થાય તો શું કરે ખબર છે?


જ્યારે કાગડો બીમાર થઈ જાય છે... ત્યારે તે કીડીઓના રાફડાની મુલાકાત લે છે.

વિચિત્ર લાગે છે ને ? ખરેખર તો તે કુદરતની સૌથી રસપ્રદ ઉપચાર વિધિઓમાંની એક છે.
જ્યારે કાગડાને લાગે છે કે પોતે બીમાર છે, ત્યારે તે કીડીઓનો રાફડો શોધે છે, તેની પાંખો પ્રસારીને કીડીઓ તેના પીંછામાં ઘૂસી જાય તેની રાહ જોતો રાફડા ઉપર સ્થિર બેસી રહે છે.
શા માટે?
કારણ કે કીડીઓ ફોર્મિક એસિડ છોડે છે - જે એક કુદરતી એન્ટિસેપ્ટિક છે અને પક્ષીના પીંછામાં છુપાયેલા બેક્ટેરિયા, ફૂગ અને પરોપજીવીઓને મારી નાખે છે.
આ વર્તનને “એન્ટીન્ગ” (anting) કહેવામાં આવે છે, અને તે ફક્ત કાગડાઓમાં જ નહીં, પરંતુ ઘણી પક્ષીઓની પ્રજાતિઓમાં જોવા મળે છે.
તેમના માટે કોઈ દવા નથી, કોઈ ચિકિત્સક નથી.
એ પક્ષીઓની એક સ્વયંભૂ વૃત્તિ અને કુદરતની બિલ્ટ-ઇન ફાર્મસી છે.
એ આપણને યાદ અપાવે છે કે કુદરતી વિશ્વ ખરેખર બુદ્ધિશાળી, સ્વ-ઉપચાર પ્રણાલીઓથી ભરેલું છે, અને એન્ટીન્ગ એ ફક્ત એક ઉદાહરણ છે કે પ્રાણીઓ પોતાના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પર્યાવરણનો કેવી રીતે ઉપયોગ કરે છે. તેમની આ જટિલ અને રસપ્રદ વર્તણૂકોનો અભ્યાસ કરીને, આપણે પ્રાણીઓ પોતાની સુખાકારી જળવાઈ રહે તે માટે પર્યાવરણ સાથે કેવી રીતે તાલમેલ જાળવી ને રહે છે તે ઊંડી સમજ મેળવી શકીએ છીએ. તેમાંથી આપણે ઘણું શીખવા જેવું છે
આપણે ફક્ત આપણા પર્યાવરણનું નિરીક્ષણ કરવાની અને તે તરફ ધ્યાન આપવાની જરૂર છે.
Courtesy: Sir David Attenborough's Natural world

ઓછાં જાણીતાં પણ અદ્ભૂત સંગીતકાર: સરોદવાદક ઝરીન દારુવાલા શર્મા




કેટલાક સંગીતકારોનાં નામ બહુ જાણીતાં નથી હોતાં પણ એમની રચનાઓ એટલી અદભુત અને અવિસ્મરણિય હોય કે આપણે તેમને અચુક માણતા- જાણતા હોઈએ. આવું જ એક નામ એટલે ઝરીન દારુવાલા શર્મા. એમનું સરોદ વાદન બોલીવુડના સુવર્ણકાળ દરમિયાન ગીતોનો એક અનિવાર્ય હિસ્સો હતો.
૧૯૪૬માં મુંબઈના પારસી કુટુંબમાં જન્મેલાં ઝરીનની સંગીતપ્રિતીનો પ્રારંભ પંડિત રવિશંકર અને ઉસ્તાદ અલી અકબરખાનની જુગલબંધીનો એક કાર્યક્રમ જોઈને છ વર્ષની ઉંમરે થયેલો. એમના પિતાએ પુછ્યું , કયું વાદ્ય વગાડવામાં રસ છે? ઝરીને કહ્યું, સરોદ ! અને એમના આ નિર્ણયે એમની કારકિર્દીનું ઘડતર કર્યું. દસ વર્ષની ઉંમરે એમણે સરોદ શીખવાનું શરુ કર્યું.
આમ તો શાસ્ત્રીય સંગીતમાં રસ હતો પણ ૧૯૬૪માં હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું અને પછી જાણે એમની જિંદગી જ બદલાઈ ગઈ.
સંગીત નિર્દેશક રોશનની ફિલ્મ ‘ચિત્રલેખા’થી એમની કારકિર્દીનો પ્રારંભ થયો. એ સમયે પુરુષ વાદ્યકારોની ફોજ વચ્ચે બેઠેલી એક માત્ર મહિલા વાદ્યકારની કલ્પના કરી જુઓ, પણ એમણે ચિત્રલેખાનું થીમ મ્યુઝિક આપ્યું. બહુ જલદી ફિલ્મ ઈંડસ્ટ્રીના લોકો ‘અદ્ભૂત સરોદ વગાડતી પારસી છોકરી’ને ઓળખતા થઈ ગયા. તેમણે મદન મોહન, કલ્યાણજી- આણંદજી, લક્ષ્મીકાંત – પ્યારેલાલ અને બીજા ઘણા સંગીતકારો માટે વગાડ્યું પણ એમની ઈચ્છ પોતાના પ્રિય સંગીતકાર શંકર- જયકિશન સાથે કામ કરવાની હતી અને એક દિવસ ‘આમ્રપાલી’ માટે શંકર- જયકિશનનું કહેણ આવ્યું. પછીથી શંકર- જયકિશન સાથે ‘આમ્રપાલી’ ઉપરાંત ‘મેરા નામ જોકર’ અને ‘તીસરી કસમ’ ફિલ્મોનાં સંગીતમાં પણ પોતાનું આગવું પ્રદાન કર્યું.
આર.ડી. બર્મનએ પણ એમની પ્રતિભાને પારખીને પોતાનાં ‘નામ ગુમ જાયેગા’ , ‘મીઠે બોલ બોલે... ‘ જેવાં ગીતોમાં એમનાં સરોદ વાદનને પ્રભુત્વ આપ્યું. ઝરીને એસ.ડી. બર્મનનાં ‘મિલી’ ફિલ્મનાં ‘બડી સૂની સૂની હૈ’ ગીતમાં પણ સરોદ પીરસ્યું.
૨૦૧૪ની ૨૦ ડીસેમ્બરે આપણે આ કલાકારને ગુમાવ્યાં પણ એમનું સંગીત હંમેશ આપણી વચ્ચે રહેશે.
એક ગીત જેને આપણે આર.ડી.બર્મનના સંગીત માટે, ગુલઝારની કાવ્યાત્મક રચના માટે કે લતા મંગેશકર અને કિશોર કુમારના જાદુઈ અવાજ માટે પસંદ કરીએ છીએ, તે અહીં મુક્યું છે , સાંભળો ત્યારે ઝરીન દારુવાલા શર્માના સરોદ વાદન માટે સાંભળજો. એ ગીત છે- ઈસ મોડસે જાતે હૈ.....

સાહિરજીને શું વાંધો પડ્યો હતો લતાજી સાથે?







એ જાણીતી વાત છે કે, ઓ.પી.નૈયરે કદી લતા મંગેશકરનો સ્વર પોતાનાં સંગીત નિયોજનમાં વાપર્યો નથી, પરંતુ પ્રમાણમાં ઓછા લોકો જાણે છે કે, એવા જ એક દિગ્ગજ ગીતકારે પણ થોડો સમય લતાજીનો બહિષ્કાર કર્યો હતો. એ હતા સાહિર લુધિયાનવી!
એક વખત સાહિરને લતાજીની હાજરીમાં એક ફિલ્મ મેકરે કહ્યું, ‘સાહિર સાબ, જો લતાજીનો અવાજ ન હોય તો તમારાં ગીતો બેજાન છે.” સાહિરને આ કોમેન્ટ સોંસરી ઉતરી ગઈ. એમને પોતાની રચનાઓ માટે બહુ ગૌરવ હતું. પોતાનાં ગીતને કોઈ ગાયકના ટેકાની જરૂર હોય તે એમને માટે અપમાન હતું. એમણે જાહેર કર્યું કે, “ જ્યાં સુધી હું એ સાબિત ન કરી બતાવું કે, એક સારી કવિતા કે ગીત લતા મંગેશકરના અવાજના મહોતાજ નથી, ત્યાં સુધી લતા મંગેશકર પાસે એક પણ ગીત નહીં ગવરાવું.” @ak
પછી બે વર્ષ સુધી સાહિરે નવોદિત સુધા મલ્હોત્રા જેવી ગાયિકાઓ પાસે ગવરાવ્યું પણ લતાજી પાસે તો નહીં જ! આવો નિર્ણય લેવો એ જમાનામાં બહુ જોખમી કામ હતું કારણકે મોટા ભાગના નિર્માતા લતા મંગેશકરનાં ગીત વગરની ફિલ્મ બનાવવાનું પસંદ ન કરતા. છતાં સાહિર પોતાના નિર્ણય પર અડગ રહ્યા.
મઝાની વાત એ છે કે, એમનાં સૌથી વખણાયેલાં ગીતો વાળી પ્યાસા, નયા દૌર અને ફીર સુબહ હોગી પૈકી કોઈ ફિલ્મમાં લતાજીનું ગાયેલું એક પણ ગીત નહોતું.
પછીથી સાહિર અને લતાજીનું સમાધાન થયું. સાહિર કહે છે, “હવે મારી લતાજી સાથે ખરા અર્થમાં દોસ્તી થઈ છે, કારણકે દોસ્તી હંમેશાં સરખે સરખાની હોય છે.”.@ak
સાધના ફિલ્મના ‘ઔરતને જનમ દિયા મર્દોંકો..’ ગીતથી ફરી લતાજીનો અવાજ સાહિરનાં ગીતોને મળવા લાગ્યો પણ આ બે વર્ષમાં કવિએ સાબિત કરી બતાવ્યું કે તે સમયની શ્રેષ્ઠ ગાયિકાના અવાજ વગર પણ એમના શબ્દોમાં પ્રાણ હતો.