ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

નવ વારી સાડીના સળમાં સચવાયેલી રણકાર-ગાથા


 નવ વારી સાડીમાં સજ્જ એક મહિલા આમથી તેમ દોડાદોડ કરીને ખ્રિસ્તી સમુદાયના ચેન્નાઇ ખાતે યોજાયેલ એક કાર્યક્રમનું ડોક્યુમેન્ટેશન કરી રહ્યાં હોય એ દ્રશ્ય 1937ની સાલમાં આશ્ચર્યજનક હતું. એ મહિલાનું નામ મીના નારાયણન - અને એ હતાં ભારતના પહેલાં મહિલા સાઉન્ડ એન્જીનીયર !

એ સમય એવો હતો કે જ્યારે સીનેમાનું ક્ષેત્ર સંસ્કારી લોકો માટે વર્જિત ગણાતું ત્યારે એમણે ત્યાં પ્રવેશીને દેશના પ્રથમ મહિલા સાઉન્ડ એન્જીનીયર તરીકે ગૌરવભેર સ્થાન પ્રાપ્ત કર્યું.
આપણે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે દરેક પુરૂષની સફળતા પાછળ કોઈને કોઈ સ્ત્રીનો હાથ હોય છે, પરંતુ આ એક એવી મહિલા છે, જેની સફળતા પાછળ તેમના પતિનો પૂરેપૂરો સાથ હતો.
મદ્રાસ હાઇકોર્ટના રજિસ્ટ્રાર સીથા રામ ઐય્યરની પુત્રી મીનાના પતિ નારાયણન એ તેમની કારકિર્દી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર તરીકે શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે 1934માં પોતાનો સાઉન્ડ સ્ટુડિયો શ્રી શ્રીનિવાસ સિનેટોનની સ્થાપના કરી. નારાયણને તે સમયના પ્રખ્યાત સાઉન્ડ એન્જિનિયર પોદ્દારને તેમના સ્ટુડિયો માટે કામ કરવા માટે બોલાવ્યા અને પોતાની પત્ની મીના નારાયણનને તેમની મદદ કરવા કહ્યું. નાની ઉંમરની હોવા છતાં મીનાએ ખંતપૂર્વક કામ કર્યું અને સાઉન્ડ એન્જિનિયરિંગમાં નિપુણ બની ગઈ. મીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "તામિલ ફિલ્મોના સાઉન્ડ રેકોર્ડિંગની નબળી ગુણવત્તાનાં બે કારણો હતાં એક તો રેકોર્ડીસ્ટોનું ભાષા પ્રત્યેનું અજ્ઞાન અને બીજું સંગીત વિષયક જાણકારીનો અભાવ. મારી પાસે સંગીત અને ભાષા બંનેનું બેકગ્રાઉન્ડ હતું જ એટલે હું માત્ર બે વર્ષમાં જ રેકોર્ડિંગમાં મહારત મેળવી શકી."
મીનાએ તેના પતિની 1936 માં આવેલી ફિલ્મ વિશ્વામિત્રમાં મુખ્ય સાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આ પછી તેમણે લગભગ નવ ફિલ્મોમાં સાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કર્યું. આ ફિલ્મો હતી - કૃષ્ણા થુલાબરામ (1937), વિક્રમ શ્રી સહસમ (1937), તુલસી બિંદા (1938), પોરવીરન મણિયાવી (1938), માદા સંપિર્ણી (1938), શ્રી રામાનુજન (1938) અને વિપ્ર નારાયણ (1938).
વર્ષ 1939માં શ્રી શ્રીનિવાસ સિનેટોનમાં અચાનક આગ લાગવાને કારણે નારાયણનનો સ્ટુડિયો નાશ પામ્યો હતો. નારાયણનને આ સ્ટુડિયો એના પ્રાણથી પણ પ્રિય હતો એટલે એજ આઘાતમાં 39 વર્ષની વયે તેમનું અવસાન થયું.
પછીથી મીનાએ ફિલ્મી દુનિયાને અલવિદા કર્યું અને એના કુટુંબી નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક સર સી.વી. રામનના પરિવાર સાથે રહેવાનું શરૂ કર્યું. 1954માં તેમનું પણ અવસાન થયું.
મીના નારાયણને સિનેમા અને ખાસ કરીને સાઉન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમની ટૂંકી કારકિર્દીમાં એક અલગ છાપ છોડી અને ભવિષ્યની મહિલાઓ માટે પ્રેરણા બન્યાં.

સોમવાર, 19 ઑક્ટોબર, 2026

હોકીવાલી સરપંચ


તાજેતરમાં જ રાજકોટના રાજવી પરિવાર દ્વારા આયોજીત એક કાર્યક્રમનો પ્રશંશનીય વિડિયો બહુ વાયરલ થયો છે. બુલેટ મોટર સાઈકલ અને ખુલ્લી જીપમાં સવાર શક્તિ સ્વરુપાઓને તલવારબાજી કરતી જોઈએ તો જાણે સાક્ષાત દુર્ગાના દર્શન કરતા હોઈએ એવી રોમાંચક અનુભૂતિ થાય. સાથે સાથે એવો પણ વિચાર ઝબકી જાય કે, અબળા થઈને હંમેશાં રોદણાં રડવાને બદલે જો આવી ક્ષમતા કેળવવાની કોશિષ થાય તો મોટા ભાગની ફરિયાદો દૂર થઈ જાય. કદાચ એટલે જ મહિલાઓ માટેની શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી યુનિવર્સિટીનો મુદ્રાલેખ યથાર્થ રીતે 'संस्कृता स्त्री शिवाशक्ति' છે.

આજે એક એવી જ સંસ્કૃતા સ્ત્રીની વાત કરવી છે. વાત છે રાજસ્થાનની એક મહિલા સરપંચ નીરુ યાદવની - જેને લોકો 'હોકી વાલી સરપંચ' તરીકે ઓળખે છે. રાજસ્થાનના બુહાના તાલુકાના લામ્બી અહીર ગામની આ સરપંચ બી.એસ.સી. , એમ.એસ.સી. , બી.એડ., એમ.એડ અને પી.એચડી. સુધી ભણેલ છે. 2020માં સરપંચપદે ચૂંટાયા પછી એણે પહેલું કામ ગામની કિશોરીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવાનું કર્યું. પોતાના કોલેજ કાળમાં હોકી પ્લેયર રહી ચુકેલી નીરુએ ગામની છોકરીઓની એક હોકી ટીમ બનાવી, એમના માટે પોતાના પગારમાંથી એક કોચ પણ રાખ્યો એટલું જ નહીં રોજ સવારે એમને ગ્રાઉન્ડ પર લઈ જઈને એમની તાલીમ પર વ્યક્તિગત રીતે ધ્યાન પણ આપ્યું. પરિણામે લોકો તેને પ્રેમથી 'હોકી વાલી સરપંચ' કહેતા થઈ ગયા. એની આ મહિલા હોકી ટીમે રાજ્ય કક્ષા સુધીની અનેક ટુર્નામેંટ્સ જીતીને સરપંચની જહેમત સફળ બનાવી છે. ગામની કન્યાઓને આ રમતનું ઘેલું લગાડવા પાછળનો એનો 'હિડન એજન્ડા' બાળલગ્નો અટકાવવાનો હતો અને ખૂબ મહેનત અને સંઘર્ષ પછી એમાં સફળતા પણ મળી છે.
વાત અહીં અટકતી નથી, પોતાના ગામમાં પ્લાસ્ટિક અને ડીસ્પોઝેબલ વાસણોનો ઉપયોગ ન થાય તે માટે એ એક 'વાસણ બેંક' ચલાવે છે, જેમાંથી બધા ગ્રામજનોને વપરાશ માટે વિનામૂલ્યે વાસણો આપવામાં આવે છે. આમ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં નિરુ સફળ રહી છે. નીરુ યાદવ દેશની પહેલી મહિલા સરપંચ છે જે 'સચ્ચી સહેલી મહિલા એગ્રો' નામથી FPO નું સંચાલન કરે છે , જેમાંથી ખેડૂતોને બિયારણ- ખાતર અને અન્ય ઉપયોગી વસ્તુઓ વાજબી ભાવે મળી રહે છે. આદિત્રી ફાઉંડેશન નામના NGO થકી નીરુ યાદવ મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓ પણ કરે છે. નિરુ એની આવી પ્રવૃત્તિઓ માટે અનેક પુરસ્કારોથી સન્માનિત પણ થઈ છે.
KBC માં સેલીબ્રીટી તરીકે જઈ આવેલી અને ફેસબુક પર દસ લાખ ફોલોઅર્સ ધરાવતી આ મહિલા સરપંચને નિ:શંક સ્વરૂપે શક્તિ સ્વરૂપા ગણવી પડે કે નહીં?
વાતમાં રસ પડ્યો હોય તો neeruyadavjjn નામના insta handle અથવા Niru Yadav Youtube કે facebook પર એની પ્રોફાઇલમાં ચક્કર મારી લેજો.

શનિવાર, 17 ઑક્ટોબર, 2026

હાથ પરોવો હાથોમાં ને...

 કવિ શ્રી ઉદયન ઠક્કરનો પ્રશ્નપત્ર.. કવિ એ સવાલો આપ્યા.. પાસ થવું કે નાપાસ – એ બધું તમારા હાથમાં..!!

*******
1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.
2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.
3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.
4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.
5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.
6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)
7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે, કયારે, કોને, આવી પંક્તિ(નથી)કહી?
8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહીંતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.
*****

માળવાનાં લોકનૃત્યો


માળવાની નૃત્‍યકલા ૫ર ગુજરાત અને રાજસ્‍થાનની નૃત્‍ય કલાની અસર સ્‍૫ષ્‍ટ૫ણે દેખાઈ આવે છે. ગુજરાત અને રાજસ્‍થાનના સીમાડાઓ માળવા પ્રદેશને સ્‍૫ર્શે છે. તેથી રાજસ્‍થાનના કેટલાક લોકો તો માળવામાં જ નાચી-ગાઈને જીવન નિર્વાહ કરે છે અને એજ રીતે ગુજરાતની નવરાત્રિના ગરબાઓ એ ૫ણ આ પ્રદેશ ૫ર ઘણી અસર કરી છે.

ટુંકમાં ગુજરાત , રાજસ્‍થાન અને માળવા પ્રદેશોની વચ્‍ચે નૃત્‍ય કલાનો વિનિમય ખુબ સારા એવા પ્રમાણમાં થયો છે. માળવામાં નૃત્‍યકલાએ એટલું મહત્‍વ પ્રાપ્‍ત કર્યુ છે કે કોઈ૫ણ પ્રકારના નાના મોટા ઉત્‍સવ કે ૫ર્વ - તહેવારોની ઉજવણીમાં નૃત્‍યનું સ્‍થાન ચોકકસ૫ણે હોય જ છે. 

અહીંનું મુખ્‍ય નૃત્‍ય વાદ્ય છે ઢોલ! ઢોલ ૫ર દાંડી ૫ડતાની સાથે જ માલવ રમણીના અંગો લચક સાથે થનગનવા માંડે છે. પ્રત્‍યેક નૃત્‍ય માટે ઢોલના નાદની ગતિ અને લય અલગ-અલગ હોય છે. માળવામાં નૃત્‍યશાળાઓ નથી, છતાં ગામની પ્રત્‍યેક સ્‍ત્રી નાચ-ગાન જાણે છે અને ઢોલના તાલે અંગોને મરોડ, લચક આપી શકે છે. માલવી સ્‍ત્રીઓ નૃત્‍ય કરતી વખતે ઘુંઘટ ઉઠાવી દે છે. માળવા પ્રદેશના કેટલાંક લોકનૃત્‍યો વિશે વાત કરીએ- 

મટકી નાચ :   

આ નૃત્‍યને ખડો નાચ નાચ ૫ણ કહે છે. તેમા સ્‍ત્રીઓ એ કમરથી ઝુકવાનું નથી હોતું, માત્ર અંગ - ઉપાંગોને વિશિષ્‍ટ વળાંકો આપીને નૃત્‍ય કરવાનુ હોય છે. તેમાં ૫ગની ગતિ-ઘીમી ૫ણ સ્‍ટે૫ અઘરાં હોય છે.

 બે સ્‍ત્રીઓનું નૃત્‍ય (નૃત્‍યદ્વય) : 

આ નૃત્‍યમાં બે સ્‍ત્રીઓ એકી સાથે એક જ ભૂમિકામાં સમાન નૃત્‍ય કરે છે. નૃત્યદ્વયના ગીતો સાંભળતા એવુ લાગે કે ૫હેલાંના જમાનામાં બે સ્‍ત્રીઓના સ્‍થાને એક પુરુષ અને એક સ્‍ત્રી નૃત્ય કરતા હશે. 

આઢો નાચ : 

આ નૃત્‍યમાં સ્‍ત્રીએ કમરથી છેક નીચે સુઘી ઝુકીને જ નાચવું ૫ડે છે.મટકી નાચની જેમ આની ગતિ ધીમી જ હોય છે. 

ઘૂમર : 

આ પુરુષોનું નૃત્‍ય છે. હોળી અથવા તો ખેતરોમાં ફસલ પાકે ત્‍યારે આ નૃત્‍ય કરાય છે. તેમા પુરુષ અને સ્‍ત્રી (સ્‍ત્રી પાત્ર ૫ણ પુરૂષ જ ભજવે છે) વર્તુળ બનાવીને નૃત્‍ય કરે છે.હોળી ૫ર્વ પ્રસંગે પુરૂષ એક હાથમા છત્રી અને બીજા હાથમાં દુ૫ટૃો લઈને ૫ણ નાચે છે. હોળીના એક નૃત્‍યમાં પુરૂષ સ્‍ત્રીનો વેશ ધારણ કરી નાચે છે અને દર્શકો ચારે તરફ ટોળું વળીને ઉભા રહે છે.નૃત્‍ય બંઘ થાય એટલે એક દર્શક પ્રેક્ષકોના ઘેરાની વચ્‍ચે આવીને માળવી ભાષાના દોહા (જેને છલ્‍લા કહે છે) બોલે છે અને ફરી છલ્‍લા બોલ્‍યો રે... કરીને નૃત્‍ય શરૂ થઈ જાય છે. 

માળવામાં ભીલ લોકોની ૫ણ વસ્‍તી છે. ભીલોના નૃત્‍ય એમના જીવનની જેમ સરળ હોય છે. ભીલ પુરૂષોના નૃત્‍યોમાં ૫ગના સ્‍ટે૫ સાધારણ ૫ણ ઝડપી હોય છે. ૫ગમાં ઘુઘરા બાંધી હાથમાં અસ્‍ત્ર-શસ્‍ત્ર લઈને પુરૂષો વર્તુળાકારે નાચે છે. નૃત્‍યની સાથે ઢોલ જેવો આકાર ધરાવતુ માંદલ નામનું વાદ્ય વગાડવામાં આવે છે.તેના ઉ૫રાંત કાંસાની થાળી અને દૂબડી નામનું વાદ્ય ૫ણ બે દાંડીઓથી વગાડવા માં આવે છે. આ જ રીતે ભીલ સ્‍ત્રીઓ ૫ગમાં ઘુઘરા બાંઘ્‍યા વગર નૃત્‍ય કરે છે. એમના નૃત્‍યો પુરૂષો કરતા પ્રમાણમાં અઘરા અને સૌમ્‍ય હોય છે.  જેમાં મોહિલી, નેવતાલી, પાલી , ૫ચમુંડયા પાલી , ર્ઓૈદીચિતીપાલી , જોડી વગેરે મુખ્‍ય છે. આમ, માળવા પ્રદેશ પાસે ગુજરાત અને રાજસ્‍થાનની અસરવાળી અને પોતાની આગવી એમ બંને પ્રકારની લોકકલાઓનો ભંડાર છે. 

વડોદરાની રેલવે અંગે થોડી વિગતો ઈતિહાસની અટારીએથી ...



વડોદરાના ડભોઈ થી મિયાગામ સુધીની અઢી ફુટ પહોળી રેલવે લાઈન બ્રિટિશ ભારતમાં નાખવામાં આવેલી પ્રથમ #નેરોગેજ રેલવે લાઇન હતી અને ભારતના કોઈ રજવાડાની માલિકીની હોય તેવી પણ આ પ્રથમ રેલ્વે હતી .
1862 માં બરોડાના મહારાજા ખંડેરાવ ગાયકવાડે ડભોઇથી મિયાગામ સુધી આઠ માઈલ (૧૩ કી.મી.) લાંબી અઢી ફૂટની રેલ્વે લાઇનનું ઉદઘાટન કર્યું. જેના પર ટ્રેનને ખેંચવા બળદોનો ઉપયોગ કરવામાં આવતો હતો .
જોકે 1863 માં નીલ્સન એન્ડ કું.એ આ લાઇન પર ચલાવવા માટે એક એન્જિન બનાવ્યું હતું, પરંતુ આ લાઇન રેલ એન્જિનના નિયમિત ઉપયોગ માટે યોગ્ય નહોતી.
પાછળથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસન દરમિયાન રેલ્વેનું નેટવર્ક વધુ વિસ્તૃત થયું. 1873 માં ડભોઇ-મિયાગામ લાઇનને બળદની જગ્યાએ એન્જિનનો ઉપયોગ કરવા માટે મજબૂત પાટા સાથે ફરીથી બિછાવવામાં આવી. તેમ છતાં, 1880 સુધી એન્જિનનો નિયમિત ઉપયોગ થતો ન હતો.
મહારાજાના શાસનકાળ દરમિયાન રેલવે નેટવર્ક #ગોયાગેટ , #ચાંદોદ , #બોડેલી અને #સમિયાલા (જંકશન) સુધી વિસ્તર્યું હતું, જેનું મુખ્ય કેન્દ્ર #ડભોઇ હતું.
1949 માં #ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વેને બોમ્બે સાથે જોડી દેવાયું , જે પછીથી 1951 માં પશ્ચિમ રેલ્વેની રચના માટે અન્ય ઝોનમાં જોડાયું હતું.

કાળી પણ કામણગારી :સ્મિતા પાટિલ

 


તેમના જન્મ સમયે ચહેરા પર જે સ્મિત હતું તેને જોઈને સ્મિતાના મમ્મી વિદ્યા તાઈ પાટિલે તેમનું નામ સ્મિતા રાખ્યું હતું. ફિલ્મોમાં મોટે ભાગે ગંભીર ભૂમિકાઓમાં દેખાયેલાં સ્મિતા વાસ્તવિક જીવનમાં ખૂબ નટખટ હતાં.
ફિલ્મોમાં કામ કરતા પહેલા સ્મિતા દૂરદર્શનમાં મરાઠીમાં સમાચાર વાંચતાં હતાં. સમાચારમાં સાડી પહેરવી જરૂરી હતી અને સ્મિતાને જીન્સ પહેરવું પસંદ હતું તેથી ન્યૂઝ વાંચતી વખતે તેઓ જીન્સ પર જ સાડી પહેરી લેતાં હતાં.


સ્મિતા પાટિલની કારકિર્દીની શરૂઆત 'ડિપ્લોમા' ફિલ્મથી થઈ હતી. 1977માં સ્મિતા પાટિલને 'ભૂમિકા' ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરાયાં હતાં. ભારતના ફિલ્મ ઈતિહાસમાં સૌથી યુવાન વયે નેશનલ એવોર્ડ મેળવનાર કલાકાર આજે પણ સ્મિતા જ છે. આ એવોર્ડ દ્વારા સ્મિતાએ પોતાની એક્ટિંગ કાબેલિયત સાબિત કરી દીધી હતી. 1981માં 'ચક્ર' ફિલ્મ માટે પણ તેમને ફરી નેશનલ એવોર્ડ મળ્યો હતો.
ભૂમિકા, મંથન, આક્રોશ, ચક્ર, ચિદંબરમ, મિર્ચમસાલા જેવી આર્ટ ફિલ્મોથી તેઓ એ એક વિશિષ્ટ સ્થાન મેળવ્યું હતું .
ફિલ્મ ક્રિટીક્સ એવું માનવા અને કહેવા માંડ્યા હતા કે પેરેલલ સિનેમાની આ અદ્‍ભૂત અદાકારા કદીય કમર્શિયલ સિનેમામાં પોતાની કમાલ નહીં દેખાડી શકે અને હીટ નહીં જાય. સ્મિતાએ તેમના પર થતી આ કમેન્ટને સકારાત્મક રીતે લઈ પોતાની કાબેલિયત કમર્શિયલ ફિલ્મોમાં પણ સાબિત કરી દેખાડી અને શક્તિ, નમક હલાલ અને આખિર ક્યોં જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું. પોતાના માત્ર દસ વર્ષના કેરિયરમાં સ્મિતાએ તે કરીને બતાવ્યું જે કરવામાં આખી જિંદગી ઓછી પડે. 10 વર્ષમાં તેમણે હિંદી અને મરાઠીની આશરે 80 ફિલ્મોમાં કામ કર્યું.
સ્મિતા પાટિલની અંતિમ ઇચ્છા હતી કે તેમનાં મૃત્યુ બાદ તેમને દુલ્હનની જેમ સજાવવામાં આવે. મેકઅપ આર્ટિસ્ટ દીપક સાવંત કહે છે કે સ્મિતાના અવસાન બાદ તેમણે સ્મિતાનો દુલ્હનની જેમ મેક અપ કર્યો હતો.
જેની મોટાભાગની ફિલ્મો VCRના જમાનામાં હોસ્ટેલમાં ભાડેથી VCR લાવીને જોઈ કાઢી હતી એવાં સ્મિતા પાટિલનું જન્મદિને સ્મરણ...

વડોદરાનાં વૈભવી રાણી:: સીતા દેવી




"ઇન્ડિયન વૉલિસ સિમ્પસન" તરીકે ઓળખાતાં સીતા દેવી વડોદરાના ગાયકવાડ ઘરાનાના છેલ્લા રાજવી પ્રતાપસિંહરાવનાં પત્ની હતાં.
પીઠાપુરમના મહારાજા - શ્રી રાજા રાવ વેંકટ કુમારા મહિપતિ સૂર્ય રાવ બહાદુર અને તેમની પત્ની શ્રી રાણી ચિન્નમંબા દેવીના પુત્રી સીતા દેવીનાં પ્રથમ લગ્ન વુયુરુના જમીનદાર મેકા રંગૈયા અપ્પા રાવ બહાદુર સાથે થયાં હતાં. સને 1935 થી 1943 સુધીનાં આઠ વર્ષનાં લગ્નજીવન પછી 1943માં મદ્રાસના રેસકોર્સમાં ઘોડાની એક રેસ દરમ્યાન એમની મુલાકાત બરોડાના પ્રતાપસિંહ ગાયકવાડ સાથે થઈ.
ગાયકવાડનો તે સમયે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં આઠમો નંબર હતો. રેસકોર્સની આ મુલાકાત ધીમે ધીમે પ્રેમમાં પલટાઈ. બંને પ્રેમીપંખીડાંઓ અલગ- અલગ પાત્રો સાથે પરણેલાં તો હતાં જ! એટલે સરળતાથી લગ્ન થઈ શકે એમ તો નહોતાં, પણ આ તો રાજા...એમણે તેની કાનૂની ટીમની સલાહ લીધી. વકીલોએ ભલામણ કરી કે હિંદુ સીતા દેવી મુસ્લિમ ધર્મ અપનાવે એટલે ભારતીય કાયદા મુજબ જમીનદાર સાથેના તેનાં પહેલાં લગ્ન આપોઆપ ફોક થાય અને પછી ફરી હિંદુ ધર્મ અંગિકાર કરી મહારાજા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ શકાય.
ગાયકવાડે આ સુચનનો અમલ કર્યો અને સને 1943 માં સીતાદેવીને તેમનાં બીજી પત્નીનો દરજ્જો આપ્યો. તેમનાં આ પગલાં સામે બ્રિટિશ સત્તાવાળાઓએ વાંધો લીધો કારણકે પ્રતાપસિંહના પૂર્વજ ગાયકવાડ રાજવીઓએ જ બહુપત્નિત્વ વિરોધી કાયદો ઘડેલો. બ્રિટિશ વાઈસરોયે ગાયકવાડને આ લગ્ન કાયદેસર સાબિત કરવા નવી દિલ્હી બોલાવ્યા. મહારાજાએ એવી દલીલ કરી કે, કાયદો બરોડાની પ્રજાને લાગુ પડે છે, રાજાને આ કાયદો લાગુ પડતો નથી. છેવટે બ્રિટિશ સરકારે લગ્નને સ્વીકાર્યું, પરંતુ રાજાઓની પત્નીઓ માટેના પ્રોટોકોલની જેમ મહારાણીને "હર હાઇનેસ" તરીકે કદી ઉલ્લેખ કર્યો નહીં.
ગાયકવાડ અને તેમનાં આ બીજાં પત્નીએ ભારત સિવાય બીજે ક્યાંક સ્થાયી થવાનું નક્કી કર્યું અને 1946 માં મોનેકોના મોન્ટે કાર્લોમાં એક હવેલી ખરીદી. મહારાણીએ ત્યાં કાયમી રહેઠાણ કર્યું અને ગાયકવાડ અવારનવાર ત્યાં મુલાકાત લેતા અને પોતાની આ મુલાકાતો દરમિયાન બરોડાનો મૂલ્યવાન ખજાનો મોનેકો લાવતા રહેતા.
આ રાજવી દંપતીએ બરોડાની તિજોરીમાંથી વિપુલ રકમ મોનેકો ખાતે ટ્રાન્સફર કરી હતી, જેમાં તેના કેટલાક સૌથી પ્રસિદ્ધ દાગીનાઓ અને મોતીના ચાર ગાલીચાઓનો પણ હતા. જેમાં અમૂલ્ય મોતી (જેને બરોડા મોતી પણ કહેવાય છે)નો સાત સેર વાળો હાર, 128.80 કેરેટ(25.760 ગ્રામ)નો સ્ટાર ઓફ સાઉથ નામના ગુલાબી બ્રાઝીલીઅન હીરા વાળો ત્રણ સેરનો હાર અને 78.53-કેરેટ (15.706 ગ્રામ) ના ઇંગ્લિશ ડ્રેસડન નામના હીરા સાથેના હારનો સમાવેશ હતો. જ્યારે બરોડાને નવા સ્વતંત્ર ભારતમાં વિલિન કરવામાં આવ્યું ત્યારે ભારતીય અધિકારીઓ કેટલીક વસ્તુઓ પાછી મેળવી શક્યા હતા, પરંતુ તેમ છતાં ઘણું બધું ઝવેરાત તો મહારાણીની માલિકીમાં જ રહ્યું હતું.
રાણી સીતા દેવીનો એક કિસ્સો ખૂબ રસપ્રદ છે. 1953 માં તેમણે પોતાના નીલમ અને હીરાજડિત પાયલ હેરી વિન્સ્ટન નામના ઝવેરીને વેચ્યા. ઝવેરીએ આ પાયલમાંથી રત્નો કાઢીને તેમાંથી આકર્ષક નેકલેસ બનાવ્યો. આ હાર ડચેસ ઓફ વિન્ડસરએ ખરીદ્યો હતો. 1957માં ન્યૂયોર્કમાં એક પાર્ટીમાં ડચેસે આ હાર પહેર્યો હતો જેમાં યોગાનુયોગ સીતા દેવી પણ હાજર હતાં. અન્ય મહેમાનો જ્યારે મુક્ત કંઠે આ હારનાં વખાણ કરી રહ્યા હતા ત્યારે મહારાણી દાઢમાં બોલ્યાં કે, “આ હારનાં રત્નો મારા પગમાં હતાં ત્યારે પણ આટલાં જ સરસ લાગતાં હતાં.” ખલાસ... પછી બીજું તો શું થાય? ડચેસે તાત્કાલિક ઝવેરી વિન્સ્ટનને હાર પરત કરી દીધો.
આ યુગલએ યુનાઇટેડ સ્ટેટ્સની બે ટ્રિપ પણ કરી હતી અને ત્યાં બેફામ ખરીદી કરી. એમ કહેવાય છે કે, આ પૈકીની એક ટ્રિપમાં એમણે 10 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.
મુસાફરી કરતી વખતે સીતા દેવી એક હજાર સાડીઓ, સેંકડો જોડી જૂતા અને ઘરેણાં સાથે રાખતાં હોવાનું નોંધાયું હતું. મહારાણી કારના પણ શોખીન હતાં અને કહેવાય છે કે, ખાસ તેમના માટે મર્સિડીઝ-બેન્ઝ દ્વારા બનાવવામાં આવેલી મર્સિડીઝ W126 તેમને ખૂબ જ પસંદ હતી. સીતા દેવીએ 1956માં ગાયકવાડ સાથે છૂટાછેડા લીધા અને લંડન જતાં રહ્યાં હતાં . 15 ફેબ્રુઆરી 1989 એ કુદરતી કારણોસર સીતા દેવીના અવસાન સાથે એક વૈભવી જીવનનો અંત આવ્યો હતો.