સિએટલના કોસ્ટકો સ્ટોરના પ્રવેશદ્વારે એક અનોખું દ્રશ્ય રચાયું હતું.ત્યાં ઊભો હતો માંડ પાંચેક વર્ષનો એક સુકોમળ બાળક. હાથમાં ચિપ્સનાં થોડાં પેકેટ્સ અને એક નાનકડું પાટિયું, જેના પર લખ્યું હતું—
“સ્કાઉટ્સ ચેરિટી ફંડ માટે… માત્ર વીસ ડૉલરમાં એક પેકેટ.”
આસપાસથી લોકોની ભીડ સતત વહી રહી હતી. પેલો નાનકડો જીવ નિર્દોષતાથી દરેક પસાર થતા રાહદારી સામે હાથ લંબાવીને આજીજી વિના, અત્યંત સહજ ભાવે પૂછતો:
“શું તમે ચિપ્સનું એક પેકેટ લેશો?”
કોઈ ઉતાવળમાં પેકેટ ખરીદી લેતું, કોઈ સ્નેહભર્યું સ્મિત આપીને આગળ વધી જતું, તો વળી ઘણા લોકો વિવેકપૂર્વક માથું હલાવીને કહી દેતા— “ના, આભાર!”
પણ અચરજ એ વાતનું હતું કે પ્રત્યેક ‘ના’ સાંભળ્યા પછી પણ એ બાળકના ચહેરા પરનું સ્મિત લેશમાત્ર ઝાંખું નહોતું પડતું! એ તરત પાછળ વળતો, એક નવા ચહેરા સામે ઊભો રહેતો અને ફરી એ જ ઉત્સાહથી એ જ પ્રશ્ન દોહરાવતો.
ધ્રુવથી આ સહજતા જોઈને આગળ ન જવાયું. તેણે ઊભા રહીને એક પેકેટ ખરીદી લીધું. બાળકના ચહેરા પર સંતોષનું એક એવું તેજ પથરાઈ ગયું જાણે કોઈ હિમાલય સર કરી લીધો હોય! એણે મધુર અવાજે કહ્યું, “થેન્ક યુ!”
ધ્રુવે સ્નેહથી પૂછ્યું, “બેટા, હજુ કેટલાં પેકેટ વેચવાના બાકી છે? ક્યાં સુધી ઊભો રહીશ અહીં?”
અને એ બાળકે જે ઉત્તર આપ્યો, તેણે ક્ષણભર માટે ધ્રુવના ધબકારા થંભાવી દીધા. એણે ગંભીરતાથી કહ્યું:
“જ્યાં સુધી પૂરા સો લોકો મને ‘ના’ નહીં કહે, ત્યાં સુધી!”
આટલી નાની વયે નકારનો ભય નહીં, પણ નકારની સ્વીકૃતિ! જાણે એ ‘ના’થી ડરતો નહોતો, એની સામે છાતી કાઢીને ઊભો હતો.
બાજુમાં ઊભેલા તેના શિક્ષકે ધ્રુવના આશ્ચર્યને પારખીને વાતનો મર્મ ઉઘાડ્યો:
“અહીં ગણતરી વેચાયેલાં પેકેટની નથી સાહેબ, ગણતરી બાળકના ઘડતરની છે. આ ઉંમરે એ ‘નકાર’ સાંભળતાં, તેને ગળી જતાં અને છતાંય હ્રદયમાં અખૂટ હિંમત રાખીને ફરી નવો પ્રયાસ કરતાં શીખી રહ્યો છે.”
કેટલી ઊંડી વાત! આ પ્રસંગ માત્ર એક બાળકની રમત નથી, આપણા સૌના અસ્તિત્વનો અરીસો છે.
આપણે આપણાં સંતાનોને બચપનથી શીખવતા આવ્યા છીએ—
શ્રેષ્ઠ પરિણામ લાવો,
વર્ગમાં પ્રથમ આવો,
સ્પર્ધામાં વિજયી બનો,
મોટી પદવી અને અઢળક સફળતા મેળવો…
પરંતુ આ દોડમાં ક્યાંક આપણે એ શીખવવાનું ભૂલી જઈએ છીએ કે—
“જ્યારે જિંદગી હાથતાળી આપે, ત્યારે શું કરવું?”
જીવનની કેડી ક્યારેય માત્ર ‘હા’ના ગુલાબોથી નથી સજાતી.
ક્યારેક મહેનત પછી પણ અપેક્ષિત પરિણામ નહીં મળે,
ક્યારેક હાથવેંતમાં આવેલી નોકરી કે તક સરકી જશે,
ક્યારેક સાચા મનથી સીંચેલો સંબંધ તૂટી જશે,
તો ક્યારેક જિંદગીભરનું સ્વપ્ન આંખો સામે ધૂંધળું થઈ જશે.
તે વખતે એ બાળક શું કરશે?
નિરાશાના અંધકારમાં ભાંગી પડશે, કે ધૂળ ખંખેરીને ફરી બેઠો થશે?
આપણે તેમને માત્ર વિજયના તોરણ બાંધતાં શીખવ્યું છે, પરાજયની ધૂળ જીરવતાં નહીં.
આપણે શીખવવું પડશે કે—
સામે મળતો એક ‘નકાર’ એ આપણી ક્ષમતાની સીમા નથી.
એક નિષ્ફળતા એ આપણા અસ્તિત્વની ઓળખ નથી.
અને એકાદ હાર એ જિંદગીનો પૂર્ણવિરામ નથી, માત્ર એક અલ્પવિરામ છે!
તે દિવસે પેલો પાંચ વર્ષનો બાળક માત્ર ચિપ્સ નહોતો વેચી રહ્યો; એ પોતાના વ્યક્તિત્વમાં ધીરજ, ખુમારી, સહનશીલતા અને નકારને પચાવીને ફરી હસતા મોઢે ઊભા થવાની વિરાટ કળા કંડારી રહ્યો હતો.
કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે સંતાનોને પૂછાતો પેલો જૂનો પ્રશ્ન બદલી નાખીએ. હવે એ ન પૂછીએ કે—
“તું જીત્યો કે નહીં?”
બલ્કે વહાલથી ખભે હાથ મૂકીને પૂછીએ—
“હારી ગયા પછી તેં ફરી ઊભા થવાની હિંમત કરી કે નહીં?”
સફળતા આપણને ક્ષણિક ઉલ્લાસ આપે છે, પરંતુ પરાજયને વહાલથી સ્વીકારીને ફરી લડવાની જીવવટ જ આપણને સાચો માણસ બનાવે છે.
સંતાનોને માત્ર જીતનારા નહીં, પણ ખુમારીથી હારીને ફરી ઊભા થઈ શકે તેવા અડીખમ ઘડીએ.

ધન્ય છે એ શિક્ષકની દ્રષ્ટિને,
પ્રણામ છે એ માતા-પિતાના સંસ્કારને,
અને વંદન છે એ નિર્દોષ બાળકની ખુમારીને— જેણે ક્ષણવારમાં વડીલોને જિંદગી જીવવાનું મહાકાવ્ય શીખવી દીધું!

યાદ રાખજો, જીવનમાં મળેલા સો ‘નકાર’ ઘણીવાર એકાદ સસ્તી ‘હા’ કરતાં પણ વધુ મજબૂત વ્યક્તિત્વનું સર્જન કરી જાય છે.
