રવિવાર, 6 જૂન, 2010

દુનિયાભરમાં થતાં પવનનાં તોફાનોનો આછેરો પરિચય





આમતો મહિમા પવનનો ખાસ કંઇ હોતો નથી,
હોય છે, કે કઇ દિશાથી કઇ દિશામાં વાય છે!



અનિલ, સમીર, મારુત, વા, વાયુ વગેરે જેવા અલંકારિક પર્યાયો ધરાવતો પવન જયારે વાતાવરણના ફેરફારોને કારણે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરે ત્‍યારે એ જ અનિલ કે સમીર-વાયરો, વંટોળીયો, ચક્રવાત, પ્રતિચક્રવાત, હરિકેન, ટાયફૂન કે ટોરનેડોના નામથી ઓળખાય છે.
 
એક કવિએ લખ્‍યું છે, ‘‘આમ તો મહિમા પવનનો ખાસ કંઇ હોતો નથી, હોય છે કે, કઇ દિશાથી કઇ દિશામાં વાય છે!'' સમયાંતરે ગુજરાતના સાગરકાંઠે વાવાઝોડાં આવે છે અને ભૂતકાળમાં તો વિનાશક પણ સાબિત થયાં છે. આ વખતનું વાવાઝોડું ટળી ગયું છે પરંતુ વાવાઝોડાં અંગેની કેટલીક રસપ્રદ માહિતી જાણવી જરૂર ગમશે.

ચક્રવાત :
યુરોપ અને ઉત્તર અમેરિકામાં સારો વરસાદ લાવતા ચક્રવાતો જે પ્રદેશમાંથી પસાર થાય છે ત્‍યાં એના જુદા જુદા ભાગમાં જુદા જુદા હવામાનની પ્રતિતિ કરાવે છે. એના અગ્રભાગમાં પવનો જોરથી ફૂંકાવા લાગે છે, મધ્‍ય ભાગમાં હવા ઉંચે ચડતી હોય છે તેથી વાદળો અને વરસાદ થાય છે અને પૃષ્‍ઠ ભાગમાં હવામાન ધીમે ધીમે ચોખ્‍ખું થતું જાય છે. ચક્રવાતો કદ અને ગતિમાં વિવિધતા ધરાવે છે તેઓ નકશા પર અંડાકાર સ્‍વરૂપનાં દેખાય છે. મધ્‍યમાં હવાનું હલકું દબાણ અને ચારે તરફ બહાર જતા દબાણ વધે છે. પવન ગોળ ગોળ ફરતા ઉંચે ચડતા હોય છે. હરિકેન, ટાયફૂન કે ટોરનેડો નામથી ઓળખાતા ચક્રવાતો ખૂબ તોફાની હોય છે.

હરિકેન અને ટાયફૂન :
દુનિયાના સૌથી વધુ તોફાની ચક્રવાતો હરિકેન કે ટાયફૂન છે. કેરેબીયન સમુદ્ર અને મેકિસકોના એટલેન્‍ટિક કિનારા પાસે નિર્માણ થતા ચક્રવાત હરિકેન તરીકે ઓળખાય છે. જયારે ચીન પાસેના સમુદ્રોમાં, જાપાન અને ફિલીપાઇન્‍સના ટાપુઓ પાસે તેઓ ટાયફન તરીકે ઓળખાય છે. ઓસ્‍ટ્રેલિયામાં પણ ચક્રવાતો ઉદભવે છે જે ત્‍યાં વિલી-વિલી તરીકે ઓળખાય છે.

આ તમામ તોફાની ચક્રવાતોનો સૌથી મહત્‍વનો ભાગ એની આંખ (મધ્‍ય ભાગ) હોય છે. આ ભાગમાં હવા નીચે ઉતરે છે તેથી એ ભાગના વિસ્‍તારમાં હવામાન શાંત, ગરમ અને ચોખ્‍ખું રહે છે અને તેની વિશિષ્‍ટતા છે, જયારે આસપાસનાં વિસ્‍તારમાં તોફાન ચાલતું હોય છે ત્‍યારે પવનો ખૂબ વેગથી ઉંચે ચડે છે અને એથી ટૂંકા ગાળામાં ધોધમાર વરસાદ પડી જાય છે. વિનાશકારી હરિકેનથી દરિયામાં મોટા મોજાંઓ ઉદભવે છે, જે કિનારે પહોંચતા ભારે નુકશાન પહોંચાડે છે.

વંટોળ :
ભારતમાં અરબી સમુદ્ર, હિંદી મહાસાગર અને બંગાળના ઉપસાગર ઉપર થતા ચક્રવાત હળવા પ્રકારના છે અને આપણે તેને વંટોળ તરીકે ઓળખીએ છીએ. જો કે ભારતના કિનારે પણ કોઇવાર તોફાની ચક્રવાત ચડી આવે છે. સને.૧૯૭૭, ૧૯૮૨ અને ૧૯૮૩ માં સૌરાષ્‍ટ્રમાં અને સને.૧૯૭૮ માં આંધ્રપ્રદેશમાં ચડી આવેલા ચક્રવાતો એ મોટી જાનહાનિ અને કરોડોની મિલ્‍કતની નુકશાની પહોંચાડી હતી.

ટોરનેડો :
અમેરિકામાં ટોરનેડો તરીકે ઓળખાતું હવાનું તોફાન ગળણી કે ભમરડા આકારનું તોફાન છે. એનો ટોચનો ભાગ પહોળો અને કાળાં ડીબાંગ વાદળોનો બનેલો હોય છે. નીચેનો ભાગ પૂંછડી, હાથીની સુંઢ કે લટકતા દોરડા જેવો હોય છે. તેના મધ્‍ય ભાગમાં હવાનું દબાણ એકદમ નીચું હોય છે. એનો વેગ કદી માપી શકાતો નથી. કારણ કે વેગમાપક સાધન અને માપનાર વ્‍યકિત બંનેનો નાશ થઇ જાય છે. તે થોડા કિલોમીટરનો માર્ગ કાપીને નાશ પામે છે. પરંતુ આ પ્રવાસ દરમ્‍યાન સુંઢ જેવા નળાકાર ભાગમાં આવતા વિસ્‍તારોમાં ભયાનક વિનાશ વેરે છે. તેના માર્ગમાં આવતા મકાનો ઇંડાની જેમ ફુટી જાય છે. છેવટે ટોચ ભાગના વાદળો સાથેનું પૂછનું જોડાણ તૂટી જાય છે અને ટોરનેડોનાં નાશ થાય છે. દરિયા ઉપરના ટોરનેડોને વોટર-સ્‍પાઉટ કહેવામાં આવે છે તે ધરતી પરના ટોરનેડોમાં બધાજ લક્ષણો ધરાવે છે.

ગુજરાતમાં તા.૮ ઓગષ્‍ટ ૧૯૮૩નાં દિવસે પોરબંદર નજીક અને ત.ર૩ જુન ૧૯૮૭નાં દિવસે વેરાવળ નજીક નાના સ્‍વરૂપના ટોરનેડો ત્રાટકયા હતા, જે ગુજરાતના હવામાનના ઇતિહાસમાં નોંધપાત્ર ઘટનાઓ છે કારણ કે ભારતમાં ભાગ્‍યે જ ટોરનેડો થાય છે.

પ્રતિ-ચક્રવાત :
દક્ષિણ કેનેડા અને મધ્‍ય પૂર્વ અમેરિકામાં તથા ઉત્તર ચીન અને જાપાનમાં પ્રતિચક્રવાત પ્રકારના હવાના તોફાન જોવા મળે છે. પ્રતિચક્રવાતો ભારે, ઘટ અને ઠંડી હવાના ઘુમ્‍મટ સ્‍વરૂપનાં બનેલા હોય છે. સામાન્‍ય રીતે તે ચક્રવાતથી વિરૂધ્‍ધ લક્ષણો ધરાવે છે એમા મધ્‍યમાં હવાનું ભારે દબાણ હોય છે અને ત્‍યાંથી ચારે તરફ બહાર જતા દબાણ હલકું થતું જાય છે. પવનો મધ્‍યનાં ભારે દબાણમાં ગોળ ચકરાવો લેતા બહારના વિસ્‍તારોમાં ફેલાય છે. તેઓ જે પ્રદેશમાં ગતિ કરે છે ત્‍યાં ઠંડીનું મોજું ફરી વળે છે. તેઓ મોટા ભાગે સમુદ્ર અને એની પાસેના કાંઠા પર જોવા મળે છે. ધીમી ગતિએ આગળ વધતા આ તોફાનમાં હવામાન સ્‍વચ્‍છ આકાશવાળું અને વાદળ વિનાનું હોય છે. તેઓ સામાન્‍ય રીતે વરસાદ આપતા નથી.
...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો