ગુરુવાર, 6 ઑક્ટોબર, 2011

દેશ-દેશાવરમાં જુદી જુદી રીતે ઉજવાતો દશેરાનો તહેવાર



ઉત્સવ પ્રિયાઃ ખલુ જનાઃ મહાકવિ કાલિદાસે શાકુંતલમાં કહયું છે કે, માનવીને ઉત્સવ અત્યંત વહાલો છે. લોકજીવનનું દૈવત એના સાંસ્કૃતિક ઉત્સવોમાં પ્રસન્નપણે પાંગરે છે, અને આ વાત માત્ર ભારતના જ નહીં, સમગ્ર વિશ્વમાં વસતી તમામ પ્રજાના નાગરિકોને પૂર્ણપણે લાગુ પડે છે.

જુદા જુદા પ્રદેશોમાં પોતાના ધર્મ, વ્યવસાય અને વાતાવરણને અનુરૂપ ઉત્સવો તો ઉજવાતા જ રહેતા હોય છે પણ કોઇ એક જ ઉત્સવ જુદા જુદા ઠેકાણે કેવી રીતે ઉજવાય છે તે જાણવામાં સહુને રસ પડશે.

આપણે વાત કરવી છે- દશેરા- એટલે કે વિજયાદશમીના તહેવારની! કહેવાય છે કે, દેવી દુર્ગાએ આ દિવસે મહિષાસુર રાક્ષસને મારીને વિજય મેળવ્યો હતો, રામાયણ કહે છે કે આ દિવસે રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો હતો, આપણા દેશમાં દશેરાના દિવસે બ્રાહ્મણો સરસ્વતી પૂજન કરે છે, ક્ષત્રિયો પોતાના અશ્વો અને હથિયારોનું પૂજન કરે છે. પ્રારંભમાં દશેરા કૃષિ ઉત્સવ હતો. જુના સમયમાં દશેરાની ઉજવણીના ભાગ રૂપે રાજા-મહારાજાઓની સવારી નીકળતી, ક્ષત્રિયો શીમળાના વૃક્ષનું પૂજન કરતા.

અસત પર સત્ય અને બુરાઇ પર ભલાઇના વિજયની ઉજવણી મોટા ભાગે ભારતભરમાં જલેબી- ગાંઠીયા (મીઠાઇ) ખાઇને અને રાવણના પુતળાનું દહન કરીને કરવામાં આવે છે.

ભારત સિવાયના પણ દુનિયાના કેટલાંક દેશોમાં દશેરાની ઉજવણી જુદી જુદી રીતે થાય છે.

નાઇજીરીયા :

શકિતની દેવી ડાયેનાની મૂર્તિની સ્થાપના કરી, તેની સાત દિવસ સુધી પૂજા કરાય છે. આઠમાં દિવસે માટીની એ મૂર્તિને જંગલી ફળ-ફુલથી શણગારી, બાજ પક્ષીના રકતથી સ્નાન કરાવાય છે. ત્યારબાદ પૂર્વિય પ્રદેશના આ આદિવાસીઓ વસ્ત્ર ત્યાગ કરી, મૂર્તિની પ્રદક્ષિણા કરી, પોતાનું માથુ કૂટે છે, અને ધાયલ માથા પર મૂર્તિની માટી ચોપડે છે, તેઓ એમ માને છે કે, શકિતના પ્રતિક સમી આ માટી મસ્તક પર ચોપડવાથી આખા શરીરમાં શકિતનો સંચાર થાય છે. આ પર્વ ઓકટોબરના બીજા સપ્તાહમાં ઉજવાય.

ગુયાના
 :

આ દેશમાં દશેરા મનાવવાની પધ્ધતિ એકદમ નિરાળી અને તર્કબધ્ધ છે. ભ્રષ્ટ રાજકારણીઓ અને લાંચિયા અધિકારીઓના પૂતળા બનાવી જાહેર ચોકમાં તેનું ખાસડાથી પૂજન કરીને આ રાવણરૂપી સમાજના છૂપા દુશ્મનોને સળગાવવામાં આવે છે.

યુનાન
 :

પ્રાચીન યુનાન પ્રદેશમાં પ્રેમમાં નિષ્ફળ થયેલી પ્રેમિકાઓ પોતાના દગાબાજ પ્રેમીઓના પૂતળા બનાવી દશેરાના દિવસે અગિ્નદેવને અર્પણ કરે છે.

બાંબિલીનીયા
 :

એક દંતકથા મુજબ પ્રાચીનકાળમાં શકિતની દેવી ઇફતાર, તમ્મુજ નામના એક સુંદર યુવકના પ્રેમમાં હતી, તેનું અચાનક મૃત્યુ થતા તેની યાદમાં આ દેશની સ્ત્રીઓ દશેરા જેવો તહેવાર મનાવી, એ યુવકનું પૂતળું બનાવીને બાળે છે.

ચીન :

ઓકટોબર માસના કોઇ ચોકકસ દિવસે ચીનના પ્રત્યેક નગરમાં એક જંગલી જાનવરની પ્રતિમા બનાવીને નગરના પૂર્વ ભાગે મુકવામાં આવે છે. સ્થાનિક સત્તાધીશ તેને લાકડીથી ખૂબ ફટકારે છે, પૂતળાને જયારે ખૂબ નુકશાન થાય ત્યારે તેને આગ લગાડી- સળગાવી દેવામાં આવે છે. ત્યારે ઉપસ્થિત માનવમેદની તેની રાખ લેવા પડાપડી કરે છે. એવું માનવામાં આવે છે કે, આ રાખથી રિધ્ધિ-સિધ્ધિ અને સમૃધ્ધિનું આગમન થાય છે.

પૂર્વિ દ્વિપ :

પૂર્વિ દ્વિપ સમૂહમાં દશેરાના દિવસે પેશન પ્લે બનાવવામાં આવે છે. આ એક પ્રકારના નાટકો છે. જેમા ભગવાનને કષ્ટ ભોગવતા પ્રદર્શિત કરાય છે.

જાવાદ્વિપ :

જાવા દ્વિપમાં બજાંગ જાગ નામના થિયેટરમાં રામાયણ પર આધારીત રામ-રાવણ યુધ્ધનું નાટક ભજવાય છે.

ઇઝરાઇલ
 :

આપણા દેશમાં જે દિવસોમાં દશેરા હોય છે તે સમયે ઇઝરાયેલમાં ખેડૂત તેમનો પાક પાકયાની ખુશીમાં દૈત્યનું પૂતળું બનાવીને જલાવે છે, તેમની માન્યતા છે કે આવુ કરવાથી જગતની બુરાઇનો નાશ થાય.

આમ, એકજ તહેવાર વિશ્વના જુદ-જુદા વિસ્તારોમાં જુદી-જુદી રીતે ઉજવાય છે.

.....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો