વિશ્વની પ્રત્યેક પ્રજા કોઇને કોઇ પ્રકારના ઉત્સવો ઉજવીને જીવનમાં ઉત્સાહ અને પ્રેરણાનું સિંચન કરતી હોય છે. એક અંદાજ મુજબ વર્ષના ૩૬૫ દિવસોમાં હિન્દુ પ્રજાના ઉત્સવોનો આંક કુલ એક હજાર જેટલો થવા જાય છે. આ પૈકીના કેટલાક વહેતા સમયની સાથે પોતાનો પ્રભાવ ગુમાવી બેઠા છે તો કેટલાક માત્ર અમુક સંપ્રદાયો પુરતા મર્યાદિત રહયા છે.
આ બધા જ ઉત્સવોમાં ગુજરાત માટે સૌથી પ્રભાવશાળી ઉત્સવ દીપાવલીનો છે. વાઘ બારસથી શરૂ કરીને ભાઇબીજ સુધીનો સળંગ છ દિવસનો આ તહેવાર પરંપરાનો એક મહત્વનો ભાગ છે.
દીપાવલીના ઉત્સવમાં જેટલું મહત્વ તેના નામ સાથે સંકળાયેલ દીપમાલાનું છે, તેટલું જ મહત્વ ઘરના આંગણામાં શોભતી રંગોળીનું છે. રંગોળીની પ્રથા પણ દિવાળી જેટલી જ પ્રાચીન છે. વાત્સ્યાયનના કામસૂત્રમાં જે ચોંસઠ કળાઓનો ઉલ્લેખ થયો છે. તેમા આલેખ્યમ એટલે કે રંગોળીની કળાનો પણ સમાવેશ છે. ભાસ્કર ભટૃ રચિત શિશુપાલવધમાં પણ રંગાવલી તરીકે રંગોળીનો ઉલ્લેખ છે. આજે માત્ર માંગલિક પ્રસંગોએ જ દોરવામાં આવતી રંગોળીનો પ્રાચીન સમયમાં સુશીલ ગૃહિણીના દૈનિક કાર્યમાં સમાવેશ થતો.
રંગોળીના વિવિધ નામો :
ગુજરાતમાં રંગોળી તરીકે ઓળખાતી આ કલા દેશના વિભિન્ન ભાગોમાં અલગ-અલગ નામથી ઓળખાય છે. બંગાળમાં અલ્પના, મધ્ય પ્રદેશમાં ચૌક પૂરના, રાજસ્થાનમાં માંડણા, આંધ્રપ્રદેશમાં મુગ્ગૂ, મહારાષ્ટ્રમાં રંગોળી, તામિલનાડુમાં કોળમ્ વૈષ્ણવ મંદિરોમાં સાંઝી અને પારસીમાં છાપા તરીકે આ કળાના સ્વરૂપો પ્રચલિત છે.
રંગોળીની પધ્ધતિઓ :
પરંપરાગત રીતે રંગોળીમાં ધરતીમાંથી પ્રાપ્ત રંગોનો જ ઉપયોગ કરવામાં આવતો સફેદ ખડી ચૂનો, કંકુ-ગુલાલ, હળદર, સિંદૂર, ચોખા વિવિધ રંગના ધાન્ય અને કઠોળથી જ રંગોળીની રંગલીલાને સાકાર કરવામાં આવતી.
બંગાળમાં આ આકૃતિ આંગળીઓથી આલેખવાના કારણે મૂળ સંસ્કૃત શબ્દ આલિંપન ઉપરથી અલ્પના શબ્દ ઉતરી આવ્યો જણાય છે. સામાન્ય રીતે અલ્પનાનો રંગ સફેદ જ રખાય છે. દિવાળી અને નાગપંચમીના તહેવારો ઉપરાંત લગ્ન પ્રસંગે પણ રંગોળી દોરવાનો રિવાજ છે.
રાજસ્થાનનાં માંડણા બંગાળની અલ્પનાને મળતા આવે છે. પણ અહીં જમીન ઉપરાંત દિવાલ પર પણ માંડણા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં સળંગ રેખા દ્વારા અંત વિનાની અટપટી આકૃતિ બનાવાય છે. કૃષ્ણ જન્મ પ્રસંગે પણ કોલમ તરીકે ઓળખાતી આ રંગોળી ચિતરાય છે અને પોંગલના ઉત્સવ સમયે જે રંગોળીનું આલેખન થાય તેમાં પહેલેથી આકૃતિ નક્કી કરવામાં આવતી નથી. કોઇપણ પ્રકારના પ્રયાસ વિના રેખાઓ ખેંચાતી જાય અને રંગોની ભાત પડતી જાય છે.
રંગોળીમાં પ્રતિકોનું વૈવિધ્ય :
ગુજરાતમાં શુભ પ્રસંગે લક્ષ્મીજીના પગલાં, સ્વસ્તિક, કળશ, હાથી, મોર કે પોપટ જેવા પ્રતિકો રંગોળીમાં પ્રયોજાય છે. એક રીતે જોઇએ તો, રામાયણ કાળની લક્ષ્મણ રેખા પણ રંગોળીનો જ પ્રકાર હતી. એની સીમાની અંદર રહેનાર પર અમંગળ દ્ષ્ટિ પડી શકતી નહોતી. રંગોળીનું વર્તુળ ગ્રહોના ભ્રમણ માર્ગનું પ્રતીક ગણાય છે. ચોરસ આકારની રંગોળી ધર્મ, અર્થ, કામ, મોક્ષનું પ્રતિનિધિત્વ કરતી મનાય છે.
ટૂંકમાં રંગોળીની આકૃતિને ગમે તે અર્થ આપીએ પરંતુ એક વાત નિヘતિ છે કે, રંગોળી એ સદીઓથી ચાલી આવતી પૃથ્વીની પૂજાનું પ્રતિક છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો