શુક્રવાર, 13 જૂન, 2025

ઓછાં જાણીતાં પણ અદ્ભૂત સંગીતકાર: સરોદવાદક ઝરીન દારુવાલા શર્મા




કેટલાક સંગીતકારોનાં નામ બહુ જાણીતાં નથી હોતાં પણ એમની રચનાઓ એટલી અદભુત અને અવિસ્મરણિય હોય કે આપણે તેમને અચુક માણતા- જાણતા હોઈએ. આવું જ એક નામ એટલે ઝરીન દારુવાલા શર્મા. એમનું સરોદ વાદન બોલીવુડના સુવર્ણકાળ દરમિયાન ગીતોનો એક અનિવાર્ય હિસ્સો હતો.
૧૯૪૬માં મુંબઈના પારસી કુટુંબમાં જન્મેલાં ઝરીનની સંગીતપ્રિતીનો પ્રારંભ પંડિત રવિશંકર અને ઉસ્તાદ અલી અકબરખાનની જુગલબંધીનો એક કાર્યક્રમ જોઈને છ વર્ષની ઉંમરે થયેલો. એમના પિતાએ પુછ્યું , કયું વાદ્ય વગાડવામાં રસ છે? ઝરીને કહ્યું, સરોદ ! અને એમના આ નિર્ણયે એમની કારકિર્દીનું ઘડતર કર્યું. દસ વર્ષની ઉંમરે એમણે સરોદ શીખવાનું શરુ કર્યું.
આમ તો શાસ્ત્રીય સંગીતમાં રસ હતો પણ ૧૯૬૪માં હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું અને પછી જાણે એમની જિંદગી જ બદલાઈ ગઈ.
સંગીત નિર્દેશક રોશનની ફિલ્મ ‘ચિત્રલેખા’થી એમની કારકિર્દીનો પ્રારંભ થયો. એ સમયે પુરુષ વાદ્યકારોની ફોજ વચ્ચે બેઠેલી એક માત્ર મહિલા વાદ્યકારની કલ્પના કરી જુઓ, પણ એમણે ચિત્રલેખાનું થીમ મ્યુઝિક આપ્યું. બહુ જલદી ફિલ્મ ઈંડસ્ટ્રીના લોકો ‘અદ્ભૂત સરોદ વગાડતી પારસી છોકરી’ને ઓળખતા થઈ ગયા. તેમણે મદન મોહન, કલ્યાણજી- આણંદજી, લક્ષ્મીકાંત – પ્યારેલાલ અને બીજા ઘણા સંગીતકારો માટે વગાડ્યું પણ એમની ઈચ્છ પોતાના પ્રિય સંગીતકાર શંકર- જયકિશન સાથે કામ કરવાની હતી અને એક દિવસ ‘આમ્રપાલી’ માટે શંકર- જયકિશનનું કહેણ આવ્યું. પછીથી શંકર- જયકિશન સાથે ‘આમ્રપાલી’ ઉપરાંત ‘મેરા નામ જોકર’ અને ‘તીસરી કસમ’ ફિલ્મોનાં સંગીતમાં પણ પોતાનું આગવું પ્રદાન કર્યું.
આર.ડી. બર્મનએ પણ એમની પ્રતિભાને પારખીને પોતાનાં ‘નામ ગુમ જાયેગા’ , ‘મીઠે બોલ બોલે... ‘ જેવાં ગીતોમાં એમનાં સરોદ વાદનને પ્રભુત્વ આપ્યું. ઝરીને એસ.ડી. બર્મનનાં ‘મિલી’ ફિલ્મનાં ‘બડી સૂની સૂની હૈ’ ગીતમાં પણ સરોદ પીરસ્યું.
૨૦૧૪ની ૨૦ ડીસેમ્બરે આપણે આ કલાકારને ગુમાવ્યાં પણ એમનું સંગીત હંમેશ આપણી વચ્ચે રહેશે.
એક ગીત જેને આપણે આર.ડી.બર્મનના સંગીત માટે, ગુલઝારની કાવ્યાત્મક રચના માટે કે લતા મંગેશકર અને કિશોર કુમારના જાદુઈ અવાજ માટે પસંદ કરીએ છીએ, તે અહીં મુક્યું છે , સાંભળો ત્યારે ઝરીન દારુવાલા શર્માના સરોદ વાદન માટે સાંભળજો. એ ગીત છે- ઈસ મોડસે જાતે હૈ.....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો