મહી નદીનું મૂળ મધ્યપ્રદેશમાં છે. સાહિત્યિક ઉલ્લેખો પ્રમાણે જોઈએ તો મહી નદીનો પાણિનીના ગણપાઠમાં , મહાભારતના આરણ્યકપર્વમાં , માર્કંડેય, બ્રહ્મ ,બ્રહ્માંડ અને વામન પુરાણોમાં, રામાયણના કિષ્કિંધાકાંડમાં અને રાજશેખર સૂરિના પ્રબંધકોશમાં ઉલ્લેખ થયો છે.
કવિ જલન માતરીએ કહ્યુ છે એમ,
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
એમ મધ્યપ્રદેશમાં ધાર જિલ્લામાંથી સમુદ્ર સપાટીથી આશરે ૫૬૪ મીટર ઊંચાઈએ વિંધ્યાચળની ગિરિમાળાઓમાંથી નીકળીને લગભગ ૫૮૩ કિ.મી. જેટલો પ્રવાસ કરી માળવા પ્રદેશમાંથી પસાર થઇ ત્યાંથી વાંસવાડા, ડુંગરપુરના વાગડ પ્રદેશમાં થઇને મહીસાગર દાહોદ, ગોધરા, આણંદ અને વડોદરા નજીકથી પસાર થયા પછી ખેડા જિલ્લામાં પ્રવેશે છે અને છેલ્લે ખંભાતના અખાતને મળે છે. મહી નદીને એની આ યાત્રામાં અનાસ, પાનમ, મેસરી , ગળતી વગેરે નદીઓ મળે છે.
ગુજરાતની નર્મદા અને તાપી પછીની ત્રીજી સૌથી મોટી નદી મહીસાગરનું મૂળ નામ મહી નદી છે. પરંતુ સાગર જેવા વિશાળ પટને કારણે તે મહીસાગર તરીકે ઓળખાય છે. નદીના મુખ પાસે તો આશરે 8 કિમી સુધી પહોળાઈ ધરાવે છે.
મહી નદી પર અગત્યના ત્રણ ડેમ છે. એક ડેમ રાજસ્થાનમાં બાંસવાડા નજીક છે, બીજો પંચમહાલમાં આવેલો ‘કડાણા બંધ’ અને ત્રીજો ડેમ ‘વણાકબોરી’ ખાતે આવેલો છે.
ભારતમાં કુલ પાંચ નદી એવી છે જે પશ્ચિમવાહિની છે મહી નદી તેમાંની એક છે. ઉપરાંત મહી નદી ભારતની એકમાત્ર એવી નદી છે કે જે બે વાર કર્કવૃત વિસ્તારમાંથી પસાર થાય છે.
મહી નદીના નામ પરથી નવરચિત જિલ્લાનું નામ પણ મહીસાગર રાખવામાં આવ્યું છે.
નદીની ઉત્પત્તિની અને તેની સાથે જોડાયેલી અન્ય કથાઓ ખૂબ રસપ્રદ હોય છે. સૌરાષ્ટ્ર પ્રદેશની નદીઓની જેમજ મધ્ય ગુજરાતમાં પણ મહી, વાત્રક, મેશ્વો વગેરે નદીઓના કાંઠે ભૂતકાળમાં વસતી જનજાતિઓની વાતો લોકસાહિત્યનો અણમોલ ખજાનો છે.
મહી કાળી છે એટલે એની સાથે લગ્ન નહીં કરું એમ કહેનાર સમુદ્રને જડબાતોડ જવાબ દેતી મહિસાગરની કથા પરનાં ગીતો હોય કે મહીના કોતરમાં વસતા ધારીયા, બારૈયા કે પાટણવાડીયા મહીના સોગન દે ત્યારે કંઈ જ ખોટું ન કહે એવી દૃઢ માન્યતાની પૂ. રવિશંકર મહારાજે આપેલી વિગતના આધારે સ્વ. ઝવેરચંદ મેઘાણીના પુસ્તક 'માણસાઈના દીવા' માં વિસ્તૃત રીતે વર્ણવાયેલી વાત હોય - આ નદીની સાથે સંખ્યાબંધ કથાઓ -ગીતો સંકળાયેલા છે.
બ્રિટનની કામિલા શેપાર્ડ નામની ડિઝાઇનર 'મહી લેધર' બ્રાન્ડનેમ હેઠળ વિન્ટેજ બેગ ઉત્પાદન કરે છે અને કામિલાએ પોતાની બ્રાન્ડના લોગોમાં પણ પાણીના બુંદને સ્થાન આપ્યું છે. આમ મહી નદીએ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે.
મહા સુદ બીજને રબારીઓ અને ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે. આ અવસરે આણંદ જિલ્લાના વાસદ અને વહેરાખાડી તથા વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારીઓ સહિત ગોપાલક જાતિઓના લોકો મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષા અને આભૂષણોમાં લોકમાતા મહીસાગરના ખોળે ભક્તિભાવપૂર્વક ઉમટે છે.
(#સંકલિત)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો