શુક્રવાર, 31 જુલાઈ, 2026

વાઘ આવ્યો રે વાઘ : 'બિગ કેટ્સ'નું વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ ગુજરાત



ગીરના ગૌરવવંતા સિંહો અને ડાંગના ચપળ દીપડાઓ પછી, હવે ગુજરાતની ધરા પર પોતાના પંજાની ભવ્ય છાપ કંડારી રહ્યો છે—જંગલનો રાજવી મહેમાન, 'બંગાલ ટાઇગર'!

મધ્ય પ્રદેશના ગાઢ વનવિસ્તારમાંથી નીકળીને ગુજરાતમાં પ્રવેશેલો આ કદાવર નર વાઘ આજે ૧૭ મહિના કરતાં પણ વધુ સમયથી (૩૦૦થી વધુ દિવસોથી) દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાની સરહદી વનપટ્ટીમાં મુક્તપણે વિહાર કરી રહ્યો છે.
વર્ષ ૧૯૯૨માં ગુજરાતમાંથી વાઘ લુપ્ત થતાં રાજ્યએ 'ટાઇગર સ્ટેટ'નો દરજ્જો ગુમાવ્યો હતો, પરંતુ આ મહેમાને આશરે ૧૨૦ કિલોમીટરના વન વિસ્તારને પોતાનું સરનામું બનાવીને એ દરજ્જો પુન: પ્રાપ્ત કરવાની નવી આશાઓ જગાડી છે!
વાઘની હાજરીને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વાઘના રહઠાણ વિસ્તારને હાઈ સેન્સિટિવ ઝોન જાહેર કરી, મહત્વના માર્ગો અને પોઈન્ટ્સ પર ૧૮ થી ૨૦ વધારાના વનકર્મીઓ તૈનાત કરાયા છે. માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા માટે દેહરાદૂન અને દિલ્હીના નિષ્ણાતો દ્વારા સ્થાનિક વનકર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે. અદ્યતન ટ્રેપ કેમેરા સિસ્ટમથી વાઘની ગતિવિધિઓ અને ખોરાક પર ૨૪ કલાક સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને જંગલમાં ઢોર ચરાવવા, ટીમરૂના પાન કે મહુડાના ફૂલ વીણવા અને લાકડા કાપવા માટે પ્રતિબંધિત વિસ્તારોમાં ન જવા સાવચેતીની અપીલ કરાઈ છે.
ઉત્સાહજનક સમાચાર એ છે કે નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એ આ નર વાઘ માટે વંશવૃદ્ધિ (Breeding)ના હેતુથી રાજ્યમાં એક વાઘણ લાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જો આ યોજના સાકાર થશે, તો આગામી સમયમાં ગુજરાતની ધરતી પર વાઘના બચ્ચાઓનો ઘુરકાટ સંભળાશે અને રાજ્યમાં વાઘની નવી વસ્તીનો જન્મ થશે.
‘બિગ કેટ્સ’નો મહાસંગમ:
ગુજરાત પહેલેથી જ વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર નિકેતન છે. આ ઉપરાંત, દીપડાઓની વિપુલ વસ્તી પણ અહીં હાજર છે. જો વાઘ અહીં સ્થાયી થાય અને વર્ષના અંત સુધીમાં પ્રસ્તાવિત 'ચિત્તા'નું આગમન થાય છે, તો ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બનશે જ્યાં ચારેય મોટી કેટ પ્રજાતિઓ (Big Cats - સિંહ, વાઘ, દીપડો અને ચિત્તો) એકસાથે અસ્તિત્વ ધરાવતી હોય!
૧૭ મહિનાનું આ સ્થાયી રોકાણ માત્ર એક વાઘની કહાની નથી; આ ગુજરાતના જંગલોના પુનરુત્થાન, કુદરતના સંતુલન અને વન વિભાગના અથાક પ્રયાસોની સફળતાની ગાથા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો