સોમવાર, 27 જુલાઈ, 2026

બરડાની વનસ્પતિનું દસ્તાવેજીકરણ કરનાર : જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકર



વનસ્પતિશાસ્ત્ર (Botany)માં અંગ્રેજી ભાષા અને લેટિન નામોની બોલબાલા હતી. ત્યારે જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકરનું 1910માં પ્રગટ થયેલું પુસ્તક 'વનસ્પતિશાસ્ત્ર' કોઈ પણ ભારતીય ભાષામાં લખાયેલું તે વિષયનું પહેલવહેલું શાસ્ત્રીય, વૈજ્ઞાનિક પુસ્તક ગણાયું.
કચ્છના લખપતમાં અત્યંત ગરીબીમાં જન્મેલા જયકૃષ્ણ ઇન્દ્રજીએ માત્ર ચાર ચોપડીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ શીખવાની પ્રબળ વૃત્તિને કારણે અંગ્રેજી , ફારસી , હિંદી અને વ્રજભાષા પર પક્કડ મેળવી હતી . આ ઉપરાંત ગુજરાતી અને કચ્છી તો ખરી જ! કૌટુંબિક પરંપરા પ્રમાણે ભિક્ષા માગવાના કામથી માંડીને મુખિયાજી અને રસોઈયા તરીકેની કામગીરી પણ કરી અને પુસ્તકો વેચવાનું કામ પણ કર્યું.
પુરાતત્ત્વવિદ્ ઉપરાંત વૈદ્ય તરીકે જાણીતા ભગવાનલાલ ઇન્દ્રજી સાથે થયેલા પરિચય પછી એમના જીવનને ચોક્કસ દિશા મળી. વનસ્પતિશાસ્ત્રમાં એમની ઋચિએ એમને મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજના વડા અને વનસ્પતિશાસ્ત્રના વિદ્વાન સખારામ અર્જુન, રાજકોટની રાજકુમાર કૉલેજના પહેલા આચાર્ય મૅકનોટન વગેરે જેવા વિદ્વાન અને વગદાર લોકો સાથે પરિચય કરાવ્યો.
જયકૃષ્ણ ઇન્દ્રજીની વનસ્પતિઓ ઓળખી કાઢવાની અને તેનાં લેટિન તથા દેશી નામ કહી આપવાની આવડતથી પ્રભાવિત થયેલા આચાર્ય મૅકનોટનની મુલાકાત પોરબંદરના મહારાણા વિક્રમાતજી સાથે થઈ. તેમણે બરડાના ડુંગરમાં રહેલી વનસ્પતિઓની શોધખોળ થાય એવી ઇચ્છા દર્શાવતાં મૅકનોટને જયકૃષ્ણ ઇન્દ્રજીના નામની ભલામણ કરી.
જયકૃષ્ણ ઇન્દ્રજીએ 1 ઑક્ટોબર, 1896થી પોરબંદરમાં નોકરી શરૂ કરી. તેમને 'ક્યુરેટર ઑફ ફૉરેસ્ટ ઍન્ડ ગાર્ડન્સ' નો હોદ્દો આપવામાં આવ્યો. સો રૂપિયા જેવા ઊંચા માસિક પગારે જયકૃષ્ણ ઇન્દ્રજીએ પોરબંદર રાજ્યમાં કામ શરૂ કર્યું. શરૂઆતમાં બરડાના જંગલોમાં ઢોર ચારતા અને નુકસાન કરતા રબારીઓ સાથે સંઘર્ષ થયો પણ પછી તેમની વચ્ચે મીઠા સંબંધ થયા. 'વનસ્પતિશાસ્ત્ર' પુસ્તક લખવામાં પણ રબારીઓ તરફથી તેમને ઘણી મદદ મળી. મુખ્ય કામની સાથે બરડા ડુંગરના જંગલની વનસ્પતિઓનો વ્યવસ્થિત અભ્યાસ પણ જયકૃષ્ણ ઇન્દ્રજીએ શરૂ કર્યો. રઝળપાટ દરમિયાન ઔષધ તરીકે કામ આવે એવી વનસ્પતિ ઉપરાંત તે વનસ્પતિમાંથી નીકળતા રેસા, ગુંદર, છાલ વગેરે પણ સાચવીને રાખતા હતા. તેમનો આ સંગ્રહ વિવિધ પ્રદર્શનોમાં પણ તે લઈને જતા હતા. ઘણા ઠેકાણે તેમને સોના-ચાંદીના ચંદ્રકો મળતા.

વર્ષોના અભ્યાસના પરિણામ જેવું જયકૃષ્ણ ઇન્દ્રજીનું પુસ્તક 'વનસ્પતિશાસ્ત્ર' (કાઠિયાવાડના બરડા ડુંગરની જડીબુટીઃ તેની પરીક્ષા અને ઉપયોગ) 1910માં પ્રગટ થયું ત્યારે જયકૃષ્ણ ઇન્દ્રજી સાઠ વટાવી ચૂક્યા હતા. આ પુસ્તકમાં તેમણે વનસ્પતિઓનાં શાસ્ત્રીય (અંગ્રેજી-લેટિન) નામો ઉપરાંત ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠી અને સંસ્કૃત નામોની પણ સૂચિ આપી હતી. ઘણી વનસ્પતિઓનાં ગુજરાતી નામ પણ તેમણે પાડ્યાં હતાં. જેમ કે, વેલિસ્નેરીયા સ્પાઇરેલીસ જેવું ભારે ભરખમ લેટિન નામ ધરાવતી વનસ્પતિનું તેમણે પાડેલું નામ હતું: જલસરપોલીયાં.
'વનસ્પતિશાસ્ત્ર'ના ઓછા વેચાણની જયકૃષ્ણ ઇન્દ્રજીના કામ કરવાના ઉત્સાહ પર કશી અસર ન પડી, પણ તેમણે લખવા ધારેલાં ઘણાં પુસ્તક બાકી રહી ગયાં. પોરબંદરથી નિવૃત્ત થયા પછી તેમણે કચ્છના મહારાવની નોકરી સ્વીકારી અને ત્યાં પણ અભ્યાસ ચાલુ રાખ્યો. 'કચ્છ સ્વસ્થાનની વનસ્પતિ અને તેની ઉપયોગીતા’ તેમના એ અભ્યાસનું પરિણામ છે. 'વૈદ્ય-કલ્પતરુ' જેવાં સામયિકોમાં તેમના જડીબુટીઓ વિશેના લેખ પ્રગટ થતા હતા.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમિયાન ' વનસ્પતિશાસ્ત્ર'નો તેમના કુદરતી ઉપચારના પ્રયોગોમાં ઉપયોગ કર્યો હોય એવા ઉલ્લેખ મળે છે. તેમણે એક પત્ર લખીને જયકૃષ્ણ ઇન્દ્રજીને ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સમક્ષ થોડાં વ્યાખ્યાનો આપવાનું આમંત્રણ પણ આપ્યું હતું. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સ્થાપક મદનમોહન માલવિય તો તેમને બનારસ લઈ જવા ઇચ્છતા હતા, પણ નાદુરસ્ત તબિયત અને મોટી ઉંમરને કારણે તેમણે સવિનય ઇન્કાર કર્યો.
ભૂજના મહેલમાં એક દીવાલ પર તેમના સંગ્રહના કેટલાક નમૂના દર્શાવવામાં આવ્યા છે. તેમનાં ગુજરાતી પુસ્તકો ઉપરાંત બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનાં જૂનાં જર્નલ અને વનસ્પતિશાસ્ત્રને લગતા જૂના અંગ્રેજી ગ્રંથો જયકૃષ્ણ ઇન્દ્રજીનાં પ્રતિભા અને પ્રદાનની કથા સંઘરીને બેઠાં છે—એ તરફ કોઈ નજર માંડે તો.
(સૌજન્ય : ઉર્વિશ કોઠારી અને બી.બી.સી. ગુજરાતી ન્યુઝ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો