મંગળવાર, 6 ઑક્ટોબર, 2026

 ગાંધી જયંતિ નિમિત્તે  એવો વિચાર આવ્યો કે ચલણી નોટો પર ગાંધીજીની તસવીર શા માટે અને ક્યારથી આવી?


ગાંધીજીના જીવનકાળમાં અનેક મહાન ફોટોગ્રાફરોએ  એમના ફોટોગ્રાફ લીધા હશે પણ એમાંથી સ્વાભાવિક રીતે જ સૌથી વધુ જાણીતું પોર્ટ્રેટ ચલણી નોટો પરનું છે.


આમ તો રાષ્ટ્રપિતા હોવાથી સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ચલણી નોટો પર મુકવા માટે તેમનો ફોટો પસંદ કરવામાં આવે એમાં કંઈ ખાસ નવાઈ નથી, પણ તમને જાણીને નવાઈ લાગશે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાતી ચલણી નોટો પર કાયમી ધોરણે ગાંધીજીનો ફોટો મૂકવાની શરૂઆત છેક 1996 માં થઈ.


અત્યારે બધી જ નોટો પર જોવા મળતો ગાંધીજીનો ફોટો 1946 માં લેવાયેલ તસવીરમાંથી ક્રોપ કરાયો છે. જે મૂળ તસવીર બ્રિટિશ રાજકારણી લોર્ડ ફેડરિક વિલિયમ પેથીક લોરેન્સ સાથે ઉભેલા ગાંધીજીની છે. કોઈ અજ્ઞાત ફોટોગ્રાફરે લીધેલી આ તસવીર એટલા માટે પસંદ કરવામાં આવી છે કે, ગાંધીજીના તમામ ફોટોગ્રાફસ પૈકી આ ફોટોગ્રાફમાં એમનું સ્મિત સૌથી વધુ સુંદર દેખાય છે.


આમ તો ચલણી નોટોની ડિઝાઈન નક્કી કરવાનું કામ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ ઓફ કરન્સી મેનેજમેન્ટ વિભાગનું હોય છે. એ આર.બી.આઈ. મારફત  ડિઝાઇન મંજૂરી માટે દેશની સરકારને મોકલે છે, પણ નોટ પર દેખાતો ગાંધીજીનો આ ફોટો ખરેખર કોણે પસંદ કર્યો છે એ જાહેર કરવામાં આવ્યું નથી.


જાણીને નવાઈ લાગશે કે, 1947 ની 15 મી ઓગસ્ટ પછી એટલે કે આઝાદી પછી પણ થોડા મહિનાઓ સુધી આરબીઆઈ એ કિંગ જ્યોર્જ  છઠ્ઠાના ફોટા વાળી નોટ છાપવાનું ચાલુ રાખેલું.


સૌપ્રથમવાર 1969 માં ગાંધી જન્મ શતાબ્દી નિમિત્તે બહાર પાડવામાં આવેલી ખાસ સિરીઝની નોટોમાં ગાંધીજીના ફોટાનો સમાવેશ થયો. રિઝર્વ બેંકના ગવર્નર તરીકે એલ. કે. જહા ની સહી  સાથેની આ નોટમાં ગાંધીજીના ફોટાના બેકગ્રાઉન્ડમાં સેવાગ્રામ આશ્રમ દેખાતો હતો. ત્યારબાદ  1987ના  ઓક્ટોબર માસમાં ગાંધીજીના ફોટા વાળી 500 રૂપિયાની નોટની સિરીઝ બહાર પાડવામાં આવી.


સ્વતંત્ર ભારતની સરકારે 1949 માં એની નવી એક રૂપિયાની નોટ બહાર પાડી એ નોટના વોટરમાર્ક વાળા ભાગમાં કિંગ જ્યોર્જ  છઠ્ઠાને બદલીને એના સ્થાને સારનાથની સિંહવાળા અશોકસ્તંભની પ્રતિમાને સ્થાન આપવામાં આવ્યું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મ્યુઝિયમ વેબસાઈટ કહે છે કે, સ્વતંત્ર ભારતના પ્રતિકોની પસંદગી કરવાની હજુ બાકી હતી એ વખતે એવું વિચારણામાં લેવામાં આવ્યું કે,  કિંગ જ્યોર્જના પોર્ટ્રેટને બદલે મહાત્મા ગાંધીનું પોર્ટ્રેટ મૂકવામાં આવે, પરંતુ વિચારવિમર્શને અંતે ગાંધીજીને બદલે સારનાથની અશોક સ્તંભની સિંહ પ્રતિમાને મૂકવાનું નક્કી કરવામાં આવ્યું અને બાકીની બધી ડિઝાઇન લગભગ અગાઉની નોટ જેવી જ રાખવામાં આવી. પરિણામે, 1950 માં, ₹ 2, ₹ 5,₹ 10 અને ₹ 100ની જે પ્રથમ ભારતીય પ્રજાસત્તાક બેંક નોટો જારી કરવામાં આવી હતી તે તમામમાં વોટરમાર્ક તરીકે અશોકસ્તંભના સિંહની પ્રતિકૃતિ હતી.


પછીથી મોટી રકમની નોટ રજૂ કરવામાં આવી અને એમાં નોટના બેકડ્રોપમાં જે વિષયવસ્તુ રાખવામાં આવતાં હતાં એમાં ફેરફાર કરાયો. જેમ કે શરૂઆતના વર્ષોમાં વાઘ અને સાબર હરણના જે ચિત્રો હતા એને બદલે 70 ના દાયકામાં કૃષિ વિકાસના ચિત્રો મૂકવામાં આવ્યાં તો 1980 ના દાયકામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ અને ભારતીય કલાના સ્વરૂપોને મહત્વ આપવાનું નક્કી કરવામાં આવ્યું તેથી બે રૂપીયાની નોટ પર આર્યભટ્ટ સેટેલાઈટ,  પાંચ રૂપિયાની નોટ પર કૃષિ ઓજારો અને 20 રૂપિયા ની નોટ પર કોણાર્કના સૂર્યમંદિરનું ચક્ર છાપવામાં આવ્યું.


1990 સુધીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને એમ લાગ્યું કે છાપકામની પધ્ધતિમાં જે રીતે આધુનિકતા સાથે વિકાસ થતો જાય છે એના પ્રમાણમાં ચલણી નોટમાં સુરક્ષાના જે ફીચર્સ હોવા જોઈએ એ ઓછા છે. એવું માનવામાં આવે છે કે, બીજાં ચિત્રો કરતાં માનવ ચહેરાનું ડુપ્લીકેટ છાપકામ મુશ્કેલ છે અને એટલે 1996માં ગાંધીજીના ચહેરાને પસંદ કરીને રિઝર્વ બેન્ક દ્વારા નવી મહાત્મા ગાંધી સિરીઝ બહાર પાડવામાં આવી અને ગાંધીજીનો ફોટો મૂકવામાં આવ્યો.


આ છે ચલણી નોટો પરના ફોટા અંગેની ‘બાપુકી યે અમરકહાની’ !


#DidYouKnow #ReserveBankOfIndia #RBI #Gandhiji #Currency #CurrencyNotes #Photographs #History #India #Independence #જાણવું_ગમશે #interestingfacts #interesting #interestingstory #bharat

#factoftheday #factsbox #factfriday #identify #research #informationoverload #knowledgable #knowledgeispower #knowlege #article

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો