૧૯૩૪ની સાલ હતી. બિહારમાં ભયાનક ભૂકંપ આવેલો. આ ધરતીકંપ પીડિતોના લાભાર્થે ભંડોળ એકઠું કરવા કલકત્તામાં સંગીતના એક કાર્યક્રમનું આયોજન થયેલું. દિગ્ગજ સંગીતકારોએ એમાં આવવાની સહમતિ આપેલી, પણ કાર્યક્રમના સમયે આવ્યા નહીં.
શ્રોતાઓ ખૂબ મોટી સંખ્યામાં આવી ગયેલા અને અધીરા થઈ રહ્યા હતા. ત્યારે ઉસ્તાદ આતા મહંમદ ખાન પતિયાલેવાલે પોતાની એક નાનકડી શિષ્યા ' બીબી ' સાથે આવેલા તેને સ્ટેજ પર ચડાવી દીધી અને ગાવાનું કહ્યું. બીબી શરૂઆતમાં તો થોડી ગભરાઈ પણ પછી એણે અમીર મીનાઈની એક ગઝલ છેડી -
તુને બુત-એ-હરજાઈ કુછ ઐસી અદા પાઈ,
તખ્તા હૈ તેરી સુરત, હર એક તમાશાઈ.
ગઝલ પૂરી થતાં આખું પ્રેક્ષાગાર તાળીઓથી ગુંજી ઉઠ્યું. બસ પછી તો બે કલાક સુધી બીબીએ ગઝલ, દાદરા, ઠુમરી જાતજાતની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને તરબોળ કરી દીધા.
બીબી બેક સ્ટેજમાં ગઈ તો સરોજિની નાયડુ એની રાહ જોઈ રહ્યાં હતાં, એમણે બીબીને ખુબ અભિનંદન આપ્યાં. બીજે દિવસે સવારે બીબી ઊંઘમાંથી જાગી ત્યારે એની સામે અખબારોનો થપ્પો પડ્યો હતો જેમાં તેની બેહદ પ્રસંશા છપાઈ હતી અને સાથે હતી એક સાડી જે સરોજિની નાયડુએ એમને ભેટ સ્વરૂપે મોકલી હતી.
આ હતું બીબી એટલેકે અખતરીબાઈ ફૈઝાબાદી ઉર્ફે બેગમ અખતરનું પહેલું સ્ટેજ પરફોર્મન્સ...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો