'ડાયરો'શબ્દ કાને પડતાં જ એક ચિત્ર નજર સામે આવે..પહાડી કંઠ વાળા કલાકારો દુહા-છંદની રમઝટ બોલાવતા હોય, ખાનદાની અને ખુમારીની વાતો થતી હોય, જૂનવાણી ગીતો અને ભજનો ગવાતાં હોય..હાસ્યની છોળ ઊડતી હોય.. સામે હજારોની મેદની મોડી રાત સુધી ડોલતી હોય..ડાયરા વિશેની આ સ્થાપિત સમજણ છે.
૦
ડાયરો એટલે શું ?
મૂળ અરબી શબ્દ 'દાઇરા' માંથી 'ડાયરો' શબ્દ ઊતર્યો છે. દાઇર:>દાઈરા> દાયરો>ડાયરો. દાઇરા એટલે વર્તુળ, પરિઘ, મંડળ, કુંડાળે વળીને બેસવું. હદ કે મર્યાદાના અર્થમાં પણ 'દાયરા' શબ્દ પ્રયોજાય છે. આરબો અસલથી જ વાતડાહ્યા. રણની ઠંડી રાતે તાપણું કરી, ફરતાં બેસી અલકમલકની વાતો કરતા.( આપણી ગજરા મારુ, સદેવંત-સાવળીંગા, ચંદન-મલયાગીરી જેવી કથાઓની જેમ જ 'અરેબિયન નાઇટ્સ'ની સમૃદ્ધ કથાપરંપરા આરબો પાસે છે જ ને !)
આરબો સાથેના વ્યાપારી સંપર્કના લીધે આ શબ્દ આપણે ત્યાં આવ્યો.
કાઠિયાવાડમાં ચૉરે કે ડેલીએ ડાયરો ભરાતો. ડહાપણની વાતો ને ગામગપાટા થાય. કોઈ ચારણ- બારોટ કે કોઈ પ્રવાસી આવી ચડે તો સાહિત્ય, આનંદ અને જ્ઞાનની વાતો થાય. લગ્ન પ્રસંગે વિવાહવિધિ પૂર્ણ થયા બાદ સગાં-સ્નેહીઓનો ડાયરો ભરાય. કહુંબા થાય. રાજપૂત, કાઠી, ચારણ, બારોટ, આહિર, મેર, કારડિયા જેવી જ્ઞાતિઓમાં હજી પણ આ ડાયરો ભરવાની પરંપરા છે.
'ડાયરો' શીર્ષકથી લોકસાહિત્યના જાહેર-કાર્યક્રમો તો છેલ્લા ૬૦-૭૦ વર્ષથી જ શરુ થયા છે.
લોકસંગીત તો વેદકાળથી પણ જૂનું છે. ગીતો-વાતો તો નિજાનંદ માટે જ હતાં અને સહજ સર્જાતાં.
લોકસાહિત્યના કાર્યક્રમોમાં કલાકારો દ્વારા પીરસાતું લોકસંગીત તો એનું આધુનિક રૂપ છે.આજકાલ ડાયરાની ગુણવત્તાની સ્થિતિ ચિંતાજનક છે. અપવાદરૂપ કલાકારોને બાદ કરતાં મોટા ભાગના કલાકારોને મૂળ સ્વરો કે ઢાળની ખબર કે પરવા નથી હોતી . લોકસંગીતના નામે ભળતી જ અને વિકૃત સામગ્રીનું પ્રમાણ વધ્યું છે.
ધૂળમાં રગદોળાતાં લોકગીતોને ઝવેરચંદ મેઘાણીએ પારસનો સ્પર્શ આપ્યો અને સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય સોનાની જેમ ચળકી ઊઠયું. મેઘાણીના સમયકાળમાં જ રણજિતરામ વાવાભાઇ, ગોકુલદાસ રાયચુરા અને કેટલાક પારસી વિદ્વાનોએ પાયાનું કામ કરેલું.
જયમલ પરમાર, પુષ્કર ચંદરવાકર, જોરાવરસિંહ જાદવ, પ્રભાશંકર તેરૈયા, કનુભાઈ જાની, નરોત્તમ પલાણ,હસુ યાજ્ઞિક,બળવંત જાની,લાભશંકર પુરોહિત, નિરંજન રાજ્યગુરુ જેવા વિદ્વાનોનું લોકસાહિત્યના સંશોધન અને સંપાદન ક્ષેત્રે અમુલ્ય પ્રદાન છે. સંશોધન-સંપાદનમાં જે શિસ્ત અને ધોરણો હોય છે, એવી ચોકસાઈ ડાયરાના ક્ષેત્રમાં તો ન જ હોય કારણકે એકમાં અભ્યાસ છે, બીજામાં વ્યવસાય.
૦
ઝવેરચંદ મેઘાણી, કવિશ્રી દુલા કાગ અને મેરૂભા ગઢવી લોકસંગીતના પ્રારંભિક ગાયકો ગણાય.
જાહેર મંચ પરથી વ્યાવસાયિક ડાયરાના પ્રથમ પેઢીના કલાકારો હતા પોરબંદરના કનુભાઈ બારોટ (કનું હંસ ), અભરામ ભગત અને દુલા ભગત (મુંબઈ)
લોકગીતોમાં હેમુ ગઢવીએ, ભજનમાં કનુભાઈએ અને લોકવાર્તામાં કાનજી ભુટા બારોટ તેમ જ બચુભાઇ ગઢવીએ પહેલવહેલા કેડા પાડ્યા.એ કેડા આજે રાજમાર્ગ બની ગયા છે. પરંપરાગત ભજનવાણીમાં આગવા ઢંગના ઉમેરણ કરીને પૂ. નારાયણસ્વામીએ અનુગામીઓ માટે ગાયકીની સમૃધ્ધ સંભાવનાઓ સર્જી આપી છે.
ડાયરાની ધમધમતી પ્રવૃતિના મૂળમાં તો ઝવેરચંદ મેઘાણીની મૂડી જ છે.
૦
'ડાયરો' શીર્ષકથી વ્યાવસાયિક કાર્યક્રમોની શરૂઆત મુંબઈમાં થયેલી. પ્રથમ આયોજન મનુભાઈ ગઢવીએ કરેલું. મનુભાઈએ મુંબઈમાં ડાયરાની પ્રતિષ્ઠા સ્થાપિત કરેલી. મુંબઈમાં વસતા ગુજરાતીઓને ડાયરાનું આકર્ષણ રહેતું. કનુભાઈ બારોટ,હેમુગઢવી, ઈસ્માઈલ વાલેરા, કાનજી ભુટા બારોટ જેવા કલાકારો ઘણા લોકપ્રિય હતા.ડાયરાના સુવર્ણકાળમાં બિનવ્યવસાયી કલાકારો વેલજીભાઈ ગજ્જર અને વાર્તાકાર દરબાર પુંજા વાળા પણ ખૂબ લોકપ્રિય હતા.
નખત્રાણા-કચ્છના સ્વ.કરણીદાન ગઢવીએ ડાયરાના ઘણાં આયોજનો કરેલાં. વિદ્વાન સાહિત્યકાર જીતુદાન ગઢવીએ ગુજરાતમાં સત્વશીલ ડાયરાનાં માતબર આયોજનો કરેલાં. જોરાવરસિંહ જાદવના સાંસ્કૃતિક આયોજનોમાં લોકસાહિત્યનું ઊંચું ધોરણ જળવાતું. અમદાવાદમાં 'સૂરધારા'સંસ્થાએ 'ડાયરા'ની પ્રવૃતિને ધમધમતી રાખેલી.
દિવાળીબેન ભીલનો આધુનિકતાના સ્પર્શ વગરનો અસલ રણકો, લાખાભાઇ ગઢવીની કહેણી અને કંઠની બુલંદી અને નાનજીભાઇ મીસ્ત્રીએ વિદેશી વાદ્ય ગણાય એવા વાયોલીનમાંથી નિપજાવેલો દેશી રાવણહથ્થાનો બાજ - ડાયરાના ચલણી સ્વરૂપની આ હતી ઘાટી રેખા...
૦૦૦
ડાયરાની સામગ્રીનાં મૂળ :
૦
લોકગીત
અજવાળી રાતે કે તહેવારોમાં શેરી કે ચોકમાં સ્ત્રીઓ રાસડે રમતી. ગીત અને નૃત્યથી તન-મનનો થાક ઓગળી જતો.સંસારના સુખ-દુઃખની વાતો ગીતોમાં ઉતરતી...મસ્તીનો હિલ્લોળ ચડાવતાં ગીતો હોય કે આંસુથી ભીંજાયેલાં વેદનાનાં ગીતો હોય..સ્ત્રીઓએ અંતર નીચોવીને ગાયાં છે...હાલરડાથી મરશિયા સુધીના ગીતોનો મબલખ ફાલ નારીના કુમળા હૈયાની નીપજ છે.જેને આપણે 'લોકગીત' કહીએ છીએ એ કોઈ વ્યક્તિ નહિ, 'લોક'નું સર્જન છે...સ્ત્રીઓનું સર્જન છે.આવાં લોકગીતો ડાયરાના મંચ પરથી નાટકીય ઢબે ગવાતાં થયાં. મૂળ ઢંગ-ઢાળની ખેવના બહુ ઓછા કલાકારોએ રાખી.
૦૦
ભજન
સંત કવિઓએ રચેલી જ્ઞાન, ભક્તિ, વેરાગ, પ્રેમ, ઉપદેશ અને પૌરાણિક કથાનકો વાળી સરળ-સહજ વાણી ગામડે ગામડે ગવાતી. રાતના પહેલા પહોરે ગામના ચૉરે કે ઠાકરમંદિરે ભજનની જમાવટ થતી..જેમાં નિજાનંદ અને ભક્તિભાવનું તત્વ હતું. મરણ પ્રસંગે પણ જે તે ઘરની ઓસરીમાં ભજન ગવાતાં.ભજન ક્યારેય મનોરંજનનું સાધન નહોતું. પરંપરાગત ભજનવાણી મંચ પરથી રજૂ થવાથી એમાં થોડી રંગીલી ગાયકીનું ઉમેરણ થયું.વાજિંત્રોની વધુ પડતી ધમાલમાં શબ્દનો મહિમા ઘસાતો ગયો.
૦૦૦
લોકવાર્તા
કોઈ ગામ હોય, નેસ હોય, ટીંબો હોય કે ગઢ-કિલ્લો...એની માટીમાં કોઈ ને કોઈ વાર્તા ધરબાયેલી પડી હોય છે. પ્રેમ, શૌર્ય, ભક્તિ, ખાનદાની, ખુમારી, દાતારી, સમર્પણ કે સેવાની વાર્તાઓ તો સમાજના સંસ્કાર અને પરંપરાના દસ્તાવેજ છે. આવી ' લોકકથાઓ' આપણો મહામૂલો વારસો છે..
૦૦૦૦
કહેણી
લોકવાર્તાને વિસ્તાર જોઇએ. લોકજીવનના ટૂંકાટૂંકા પ્રસંગો, લોકસાહિત્યની માર્મિક વાતો, હાસ્યરસની સંસ્કારી વાતો અને થોડી ગાયકી સાથેની સાત્વિક અને મનોરંજક શૈલીથી રજૂઆત કરવામાં માહેર એવા 'કહેણીકારો'- લોકસાહિત્યકારોની એક આગવી પ્રતિષ્ઠા ઊભી થઈ.
૦
આવાં લોકગીતો, ભજનો, લોકકથાઓ, કહેણી ,પરંપરાગત ચારણ-બારોટ કવિઓ રચિત દુહા-છંદ ઉપરાંત મેઘાણી, દુલા કાગ ,કવિ દાદ અને તખતદાન રોહડિયા ( દાન અલગારી)ની રચનાઓથી ડાયરાનું એક ચુસ્ત સ્વરૂપ બંધાયું. રજૂઆતમાં શૌર્ય,કરૂણ, શૃંગાર, ભક્તિ અને હાસ્યનું પ્રમાણ જળવાતું. પરંપરાગત સાહિત્ય અને સંગીતનું આવું -ડાયરા જેવું સ્વરૂપ ગુજરાત સિવાય અન્ય કોઈ પ્રદેશમાં હોય એવું મારી જાણમાં નથી.
ભજન,લોકગીત,દુહાછંદ,લોકસાહિત્યની વાતો અને ગઝલ-કવ્વાલીના મિશ્રણ વાળું જનમનરંજક 'સ્વરૂપ' કે 'માળખું' (Format) કનુભાઈ બારોટના વખતથી જ શરુ થયેલું.અત્યારે પણ એ જ રૂઢી ચાલે છે. અલબત્ત; વસ્તુ, રજૂઆતની શૈલી અને સ્તરમાં પરિવર્તન આવ્યું છે.થોડું સારું, થોડું નરસું....
લોકસંગીતના કાર્યક્રમોની રજૂઆત અને વસ્તુમાં શુધ્ધિ અને ગુણવત્તા જળવાઇ રહે એ માટે તમામ વ્યવસાયી કલાકારો એકત્રિત થાય, ચર્ચા- વિચારણા કરે એવા ઉદ્દેશથી શ્રી જયમલ પરમાર અને રતુભાઇ અદાણીએ 'લોકસાહિત્ય પરિવાર'ની સ્થાપના કરેલી. હું પણ આ પરિવારનો સભ્ય હતો. દર ત્રણ મહિને કોઇ એક કલાકારના યજમાનપદે પરિવારનું મિલન યોજાતું. ડાયરાની પ્રવૃતિના સંવર્ધન અને શિસ્તના સંદર્ભમાં આ પહેલો અને છેલ્લો સફળ પ્રયત્ન હતો.
સમજણ, અભ્યાસ કે પરંપરાની મૂડી વિનાના કલાકારોના કારણે ડાયરાના સ્વરૂપમાં અનુચિત બદલાવ આવ્યો છે..પણ ડાયરાની લોકપ્રિયતા તો વધતી જ રહી છે.
અન્ય કાર્યક્રમો સાથે સરખામણી તો ન જ કરીએ, પણ.. સરેરાશ ગુજરાતીને લોકસાહિત્યનો કાર્યક્રમ વધુ પોતીકો લાગે છે. કારણકે એ લોકહૈયાનાં નિજી સંવેદનોની નિપજ છે. એનું પોત પારિવારિક છે. એ ચિરપરિચિત પોતમાં પ્રેમ, ભક્તિ, ત્યાગ, સમર્પણ, શૌર્ય, ખાનદાની અને ખુમારીની બહુરંગી ભાત ઉપસેલી હોય છે,અને એ દરેકને સ્પર્શે છે. ભણેલ હોય કે અભણ, શહેર હોય કે ગામડું,દેશ હોય કે પરદેશ, સ્ત્રી હોય કે પુરુષ- લોકસંગીત દરેકને પ્રિય લાગે. રબારિકા હોય કે અમેરિકા, લખતર હોય કે લંડન, કોટડા હોય કે કેનેડા , અંજાર હોય કે આફ્રિકા- ડાયરો બધે જામે.સભાગૃહ હોય કે વિશાળ સમથળ મેદાન, હજારો-લાખોની મેદનીને રાતભર ડોલાવી શકે એવી ક્ષમતા લોકસંગીતમાં છે..આ તાકાત છે 'લોકો'ના ઘૂંટાયેલા સંવેદનોના પ્રાકૃતિક પ્રવાહની, સહજ પરંપરાની...
( લે : Arvind Barot )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો