“ છુટાછેડા એ અંત નથી , એક નવી શરૂઆત છે. જ્યારે બે લોકો સાથે રહેવા નથી માંગતા ત્યારે અલગ થઈ જવું પણ સુંદર હોઈ શકે છે.” આ વાત કરે છે કેરાલાની ૩૧ વર્ષીય રાફીયા અલી. પોતે તલાક લીધા પછી તેમણે સોશીઅલ મિડીઆ પર સિંગલ પેરન્ટીંગ અને હીલિંગ વિશે વાત કરવાનું શરૂ કર્યું , એમની સાથે હમદર્દ મહિલાઓ જોડાતી ગઈ અને તેમને લાગ્યું કે આવી મહિલાઓ માટે કોઈ સપોર્ટ સિસ્ટમની જરૂર છે. એમાંથી જન્મ થયો ‘ બ્રેક ફ્રી સ્ટોરીઝ્’નો. આ પહેલ છૂટાછેડાના કલંકને દૂર કરીને મહિલાઓને પોતાના જીવનને નવા ઉત્સાહ અને હિંમતથી આગળ વધારવાનો સંદેશ આપે છે.
તાજેતરમાં રાફીઆ એ કેરળમાં દેશના પ્રથમ ડિવોર્સ કેમ્પ ‘ બ્રેક ફ્રી સ્ટોરીઝ્’ નું આયોજન કર્યું હતું. કેમ્પમાં મહિલાઓ માટે ટ્રેકિંગ, સ્ટોરીટેલિંગ, રમતગમત, ડાન્સ અને સમુહ ચર્ચાના સેશન્સ યોજાયાં, અને તેમાં ભાગ લેનારાઓ પોતાની જાતની ફરી ખોજ કરી , આનંદ અનુભવી અને એકબીજાના સાથનો સહારો લઈ શક્યાં. આ કેમ્પ મહિલાઓને હસવા, રડવા અને પોતાને ફરી શોધવા માટે સલામત અને નિર્ભય જગ્યા આપે છે.
પ્રથમ કેમ્પ કેરલાના વાગમોનમાં 17 મહિલાઓ સાથે યોજાયો અને ત્યારબાદ અલાપુઝા અને અન્ય સ્થળોએ પણ યોજાયો છે. આ પ્રવૃત્તિ હવે આખા કેરળ ઉપરાંત વિદેશમાં પણ ફેલાઈ રહી છે, જ્યાં મહિલાઓ માટે સામુહિક સમર્થન , વ્યક્તિગત વિકાસ અને નવા માર્ગ શોધવા માટેના સત્રો યોજાશે.
આ માત્ર એક કેમ્પ નથી. આ તો છૂટાછેડાના કલંકને તોડીને હિંમતથી નવું જીવન શરૂ કરવાનું આંદોલન છે. 

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો