સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

અટાકામાનું રણ: ન વેચાયેલાં કપડાંનું સ્મશાન



 કપડાંના ઝાકઝમાળ શો-રૂમ પાસેથી પસાર થતાં કદી વિચાર્યું છે કે, ફેશન બદલાઈ ગયા પછી નહીં વેચાયેલાં કપડાંનું શું થતું હશે? એ રીસાયકલ થતાં હશે? ના..! આવાં પ્રીવિયસ કલેક્શન એટલેકે નહીં વેચાયેલાં કપડાં પહેલાં પોતાના કર્મચારીઓને સસ્તા ભાવે વેચવાનો પ્રયત્ન થાય છે અને બાકી બચેલ કપડાં સળગાવી દેવામાં આવે છે અથવાતો ચિલી નામના દેશમાં આવેલાં વિશ્વના સૌથી સૂકા રણ વિસ્તાર એવા અટાકામામાં ઠાલવવામાં આવે છે. આ એવું રણ છે કે જેના કેટલાક વિસ્તારોમાં તો છેલ્લા 500 વર્ષથી વરસાદનું એક ટીપું પાણી પણ નથી પડ્યું.


દર વર્ષે આશરે ૯૨ મિલીયન ટન ન વેચાયેલાં કપડાં, મોટાભાગે ચીન અથવા બાંગ્લાદેશથી, યુરોપ, એશિયા અથવા યુનાઇટેડ સ્ટેટ્સમાંથી પસાર થઈને ચિલી પહોંચે છે. કપડાં ઉત્તર ચિલીમાં અલ્ટો હોસ્પિસિયો ફ્રી ઝોનમાં આવેલા ઇક્વિક પોર્ટ પર મોકલવામાં આવે છે જ્યાંથી કેટલાક કપડાં લેટિન અમેરિકાની આસપાસ ફરી વેચવામાં આવે છે, પરંતુ મોટા ભાગના તો રણમાં ઠાલવી દેવામાં આવે છે. ચિલીના રણમાંથી કેટલાક સ્થાનિક લોકો પોતાના માટે અથવા અન્યને વેચવા માટે થોડાં કપડાં ઉપાડે છે, પણ તેનું પ્રમાણ અહીં ઠલવાતા જથ્થાના પ્રમાણમાં સાવ નજીવું છે. કમનસીબે કચરાનો ડુંગર બનેલાં આ કપડાં પૂરેપૂરાં બાયોડિગ્રેડેબલ નથી હોતાં અને તેમાં રાસાયણિક ઉત્પાદનો હોય છે, તેથી ભૂમિ પ્રદૂષણ જન્માવે છે. યુનાઈટેડ નેશન્સનો એક રીપોર્ટ તો એમ કહે છે કે, પાણીના પ્રદુષણમાં 20% ફાળો કપડાં અને તેનાથી પેદા થતા કચરાનો છે.
ચિલીનો આ વેસ્ટ કલોથનો ડુંગર એવડો મોટો થઈ ગયો છે કે સ્પેસમાંથી સેટેલાઇટ દ્વારા લેવાતી તસવીરોમાં પણ એ સ્પષ્ટપણે દર્શાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો