શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2026

'હરિ ૐ’ના નાદ સાથે સેવા અને સાધનાનો સમન્વય સર્જનારા યુગદ્રષ્ટા: પૂજ્ય મોટા


આજે ૪ સપ્ટેમ્બર. ઈ.સ. ૧૮૯૮ના આ પાવન દિવસે વડોદરા નજીક સાવલીની પુણ્યધરા પર એક એવી મહાચેતનાનો આવિર્ભાવ થયો, જેમણે આધ્યાત્મિકતાને મઠ-મંદિરોમાંથી બહાર લાવી લોકસેવાના યજ્ઞમાં પ્રસ્થાપિત કરી. મૂળ નામ ચુનીલાલ આશારામ ભગત, પણ ગુજરાત અને સમગ્ર વિશ્વ તેમને અત્યંત આદરપૂર્વક ‘પૂજ્ય મોટા’ તરીકે ઓળખે છે.

તેઓ કોઈ પરંપરાગત સંત નહોતા. ભગવાં વસ્ત્રોનો મોહ ન રાખ્યો, સંસારથી વિમુખ થઈને આત્મકલ્યાણની સંકુચિત ખોજ ન કરી; બલ્કે ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને જીવનનું પરમ લક્ષ્ય બનાવ્યું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જ્યારે યુવાનોને દેશસેવા કાજે અભ્યાસ છોડવાનું આહ્વાન આપ્યું, ત્યારે વડોદરા કોલેજમાંથી બે તેજસ્વી યુવાનોએ પુસ્તકો બાજુ પર મૂકી દીધાં. એક ચુનીલાલ (પૂજ્ય મોટા) અને બીજા પાંડુરંગ વિઠ્ઠલપંત વળામે—જેઓ પાછળથી નારેશ્વરના પરમ સંત શ્રી ‘રંગ અવધૂત મહારાજ’ તરીકે પ્રસિદ્ધ થયા.

ગુરુદેવ કેશવાનંદજીની પ્રેરણાથી તેમણે બાલયોગીજી મહારાજ પાસેથી દીક્ષા અંગીકાર કરી સાધનાનો માર્ગ પકડ્યો.સાધનાના પ્રારંભિક કાળમાં શારીરિક વ્યાધિથી ત્રસ્ત થઈને એક તબક્કે તેમણે નર્મદા નદીમાં ઝંપલાવી જીવનલીલા સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો, પણ વિધાતાને એમની પાસેથી યુગકાર્ય કરાવવાનું હતું. ત્યારબાદ શરૂ થઈ અત્યંત કઠોર તપશ્ચર્યા. ભયમુક્ત બનવા માટે સ્મશાનમાં રાતવાસો કરવો અને કામ-વાસના પર વિજય મેળવવા ચારેકોર સળગતા અગ્નિની વચ્ચે બેસી સાધના કરવી—આવી અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થઈને તેઓ ‘મોટા’ બન્યા.
તેમનું માનવું હતું કે આધ્યાત્મિકતા કેવળ આંખો મીંચીને બેસી રહેવામાં નથી, બળવાન શરીરમાં જ સશક્ત મન વસે છે. યુવાનો નીડર અને સાહસિક બને તે માટે દાન એકત્ર કરી સ્નાનાગારોનું નિર્માણ કરાવ્યું. સમુદ્ર અને નદીઓમાં તરણસ્પર્ધાઓ, નૌકાસ્પર્ધાઓ, મેરેથોન, પર્વતારોહણ અને પદયાત્રાઓ આયોજિત કરાવી. શિક્ષણ, વિજ્ઞાન, કૃષિ અને તબીબી ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા પારિતોષિકો સ્થાપ્યા તથા ગામડે ગામડે પાકી શાળાઓના ઓરડા બંધાવ્યા.
નડિયાદ અને સૂરતમાં ‘હરિ ૐ આશ્રમ’ની સ્થાપના કરી આધ્યાત્મિક ચિંતનને નવી દિશા આપી. તેમણે સ્થાપેલા ‘મૌન મંદિરો’ આજે પણ અનોખાં છે—જ્યાં સાધક બહારની દુનિયાથી અલિપ્ત થઈને, બહારથી બંધ ઓરડામાં રહીને માત્ર અંતર્મુખ સાધના કરે છે અને ભોજન ડોકાબારીમાંથી અંદર પહોંચાડાય છે.
સંતસાહિત્યમાં તેમની ‘સંતવાણી’ના વીસ ગ્રંથો ગુજરાતી ભક્તિસાહિત્યનો અમૂલ્ય વારસો છે. સાથોસાથ, જ્ઞાનના પ્રસાર માટે ગુજરાતી વિશ્વકોશના બીજ રોપવામાં પણ તેમનું અનન્ય યોગદાન રહ્યું.
૨૩ જુલાઈ, ૧૯૭૬ના રોજ ફાજલપુરમાં મહીસાગરના રમણીય તટે રમણભાઈ અમીનના નિવાસસ્થાને આ યુગદ્રષ્ટાએ સ્વૈચ્છિક રીતે, યોગિક ચેતના સાથે ઈચ્છામૃત્યુ વહારીને દેહત્યાગ કર્યો.
બાહ્ય આડંબરો વિના કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો ત્રિવેણી સંગમ રચી જનાર પૂજ્ય મોટાના ચરણોમાં શત શત વંદન.
હરિ ૐ તત્સત્.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો