આજે આપણે જે કમ્પ્યુટર, લેપટોપ કે સ્માર્ટફોન વાપરીએ છીએ, તેમાં સુંદર અને અલગ-અલગ જાતના ફોન્ટ્સ જોવા મળે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડિજિટલ દુનિયામાં આ ફોન્ટ્સ આવ્યા ક્યાંથી?
આની પાછળ એક ખૂબ જ રસપ્રદ કથા છે!
જ્યારે સ્ટીવ જોબ્સે (Steve Jobs) તેમની કોલેજ (Reed College) છોડી દીધી, ત્યારે તેમની પાસે આગળનો કોઈ ચોક્કસ પ્લાન નહોતો. તેમણે માત્ર પોતાના રસ માટે કૅલિગ્રાફી (Calligraphy - સુંદર અક્ષરલેખન) નો ક્લાસ ભરવાનું નક્કી કર્યું.
આ ક્લાસમાં તેમણે અક્ષરોની આકૃતિઓ, શિરોરેખા, વળાંકો, 'સેરિફ' અને 'સેન્સ-સેરિફ' ટાઈપફેસ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ તેમજ અક્ષરો વચ્ચેની યોગ્ય જગ્યા (Spacing) ના સૌંદર્ય શાસ્ત્રને આત્મસાત કર્યું. આ શીખતી વખતે સ્ટીવ જોબ્સને ખબર નહોતી કે આ જ્ઞાન ભવિષ્યમાં તેમના કોઈ કામમાં આવશે!
પણ... બરાબર ૧૦ વર્ષ પછી, જ્યારે તેઓ પહેલું મેકિન્ટોશ (Macintosh/Mac) કમ્પ્યુટર ડિઝાઈન કરી રહ્યા હતા, ત્યારે તેમણે કૅલિગ્રાફીનું આ તમામ જ્ઞાન એ કમ્પ્યુટરમાં ઉમેરી દીધું! મેકિન્ટોશ વિશ્વનું એવું પહેલું કમ્પ્યુટર બન્યું જેમાં સુંદર ટાઈપોગ્રાફી અને મલ્ટિપલ ફોન્ટ્સ હતા.
જો સ્ટીવ જોબ્સે અક્ષરોના એ લાલિત્યને ન માણ્યું હોત, તો કદાચ આજે આપણી ડિજિટલ સ્ક્રીન શુષ્ક અને નિર્જીવ હોત.
આના પરથી એટલું નક્કી થાય કે, જીવનમાં શીખેલી કોઈ પણ કળા કે જ્ઞાન ક્યારેય નકામું જતું નથી. આજે તમે જે નાની વસ્તુ શીખી રહ્યા છો, તે ભવિષ્યમાં કઈ મોટી ક્રાંતિ સર્જશે એ કોઈ નથી જાણતું!
વિચારો, જો કૅલિગ્રાફી ન હોત તો આપણી ડિજિટલ સ્ક્રીન કેટલી બોરિંગ હોત!
by the way, દર વર્ષે ઓગષ્ટ મહિનાનો બીજો બુધવાર આંતરરાષ્ટ્રિય કેલીગ્રાફી દિવસ તરીકે ઉજવાય છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો