શનિવાર, 15 ઑગસ્ટ, 2026

રહે સદા અજર અમર - નમોસ્તુતે નવાનગર: ...તો જામનગરનું નામ ઈસ્લામનગર હોત..

 જામનગરની સ્થાપના પાછળ લોકસાહિત્યમાં ભુજંગ નાગ અને ભેરીઓજીની એક રસપ્રદ અને રોમાંચક લોકકથા તો છે પણ ઐતિહાસિક રીતે જોઈએ તો, આ નગરની સ્થાપના જામ રાવળજીએ કરી. જામ રાવળ બહાદુર યોદ્ધા અને પ્રખર મુત્સદ્દી હતા. તેમણે એકલા હાથે પ્રબળ પુરૂષાર્થ કરીને હાલાર અને નવાનગર  રાજ્ય સ્થાપ્યાં હતાં.  શ્રી શંભુપ્રસાદ દેસાઈના શબ્દોમાં, “ દિલ્હી કે અમદાવાદના મુસ્લિમ શાસકો સામે ઊંચી આંખ કરવા કોઈની શક્તિ રહી ન હતી.  પોતાની બહેન દીકરી સુલતાનને પરણાવીને તેમની મહેરબાની યાચતા રાજાઓ પૂર્વજોની કીર્તિના કળશને કાજળના ઓપ આપી રહ્યા હતા ત્યારે જામરાવળે તેઓના નિશ્ચેતન અને નિર્માલ્ય જીવનને ફરીથી ચેતનવંતુ બનાવ્યું.” 


જામરાવળ જેમ-જેમ પ્રદેશો જીતતા ગયા તેમ તેમ તેમનું રાજ્ય વિસ્તરતું ગયું. એમણે પ્રથમ બેડમાં અને પછી ખંભાળિયા રાજધાની સ્થાપી  હતી, પરંતુ રાજધાની ખંભાળિયા રહે તો જોડીયા, આમરણ, કાલાવડ વગેરે પરગણા દૂર રહી જાય અને વહીવટ તથા દેખરેખ મુશ્કેલ બને તેથી જામ રાવળને એક મધ્યસ્થ રાજધાની જરૂર લાગી . તેથી વિક્રમ સંવત 1596 શ્રાવણ સુદ સાતમના દિવસે રંગમતી અને નાગમતી નદીઓના કિનારે સમુદ્રથી બે ગાઉ દૂર જામરાવળે નગર વસાવ્યું.


સ્થાપના બાદ એટલે કે નવું નગર વસાવાયા બાદ એને નવાનગર તરીકે ઓળખાવાયું અને ખંભાળીયાથી પાટનગરનું ત્યાં સ્થળાંતર કરાવાયું.  જો કે છેક સુધી દરેક નવા જામસાહેબનો રાજ્યાભિષેક વિધિ ખંભાળીયા ખાતે કરાવવાનો શિરસ્તો જાળવી રાખવામાં આવ્યો.


કહેવાય છે કે નગરની સ્થાપના વખતે ત્રણ થાંભલીઓ રોપવામાં આવી હતી. આ ઐતિહાસિક થાંભલીઓના દર્શન માટે પ્રયત્ન કરતાં એમાંની એક દરબારગઢ પાસે યુનુસભાઈ કોરેજાની ફૂલની દુકાનમાં અને બીજી થાંભલી દરબારગઢના પ્રવેશ પાસે શેઠની ડેલીમાં જોવા મળી (તસવીરો સામેલ છે.).  માંડવી ટાવર પાસે આવેલ કહેવાતી ત્રીજી થાંભલી ખૂબ શોધવા છતાં મળી નહીં. જ્યારે નગરનું જ અસ્તિત્વ નહોતું ત્યારે સૌથી પહેલાં સ્થપાયેલી આ માણેકસ્તંભ જેવી થાંભલી/મેખ/ખાંભીના દર્શન ન કરે એ મારા મતે અધૂરો જામનગરી ગણાય.


જામ રાજાઓની સળંગ ચાલતી આવતી ગાદીઓના કારણે જામનું નગર એટલે જામનગર, એમ  જામનગર નામનો ઉપયોગ 18મી સદીના આરંભથી થયેલો જોવા મળે છે.  જો કે નગરના રાજવીઓએ તો પોતાના રાજ્યને સંસ્થાન નવાનગર જ કહ્યું છે અને રાજય વહિવટમાં નવાનગર નામ જ પ્રયોજાયેલ જોવા મળે છે.  જામનગર નામ વિધિસર પડેલું નથી પરંતુ લોકોએ જ પ્રચલિત કરેલું જણાય છે.


એક રસપ્રદ હકીકત એવી પણ છે કે, ઈ.સ.1664 થી 1673 સુધીના નવ વર્ષ નવાનગર ઉપર અમદાવાદના સૂબાનું ઇસ્લામિક શાસન હતું ત્યારે  કુત્બુદ્દીનએ નગરને નવું નામ ઇસ્લામનગર આપેલું પણ પરંતુ તે પ્રચલિત થયું નહીં અને સૂબાનું શાસન ઉઠી જતા ભૂસાઈ ગયું.


જાજરમાન જામનગરને સ્થાપનાદિને કવિ મનોજ જોશી 'મન'ની એક રચના સાથે શુભકામનાઓ....


ન લાગે કોઈની નજર

                       નમોસ્તુતે નવાનગર

રહે સદા અજર અમર

                       નમોસ્તુતે નવાનગર.


અહીંના કંકુ કાજળે

                       કર્યું છે સૂરમાએ પણ

વશીકરણ જગત ઉપર

                        નમોસ્તુતે નવાનગર.


રંગાય પ્રેમના રંગે

                     બંધાય લાગણી વડે

આ બાંધણીનું છે પિયર

                         નમોસ્તુતે નવાનગર.


આદિત્યરામજી તણું

                         ઘરાના ઝળહળે અહીં

કરે સૂરોને તરબતર

                         નમોસ્તુતે નવાનગર.


મંદિર,બ્રાસ, બંદરો

                         ત્રણેય આભૂષણ સજી

રમે સમયના તટ ઉપર

                        નમોસ્તુતે નવાનગર.


હરેક જન્મે આ ધરા

                         મળે જ એવી પ્રાર્થના

મજાનું જામનું નગર

                        નમોસ્તુતે નવાનગર.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો