રાત્રિના નીરવ વાતાવરણમાં આપણા કાન પાસે જે 'ગણગણાટ' સંભળાય છે, તે કોઈ સામાન્ય અવાજ નથી, પરંતુ પ્રતિ સેકન્ડ 300 થી 600 વખત પાંખો ફફડાવીને રચાતો નર અને માદા મચ્છર વચ્ચેનો પ્રણય-સૂર (Harmonic Duet) છે.
કુદરતની આ અજબ રચના વિશેની કેટલીક અજાણી અને રોચક વાતો ચાલો જાણીએ :
જેને આપણે સાદી સૂંઢ સમજીએ છીએ, તે એક નહીં, છ સૂક્ષ્મ સોયનું શસ્ત્રાગાર છે. તે કુદરતનું 'ફેસિકલ' નામનું અદભુત સર્જિકલ ટૂલ છે. તેમાં ચામડીને હળવેથી છેદવા માટે કરવત જેવી ધારવાળી બે સોય, પેશીઓને અલગ રાખવા બે સોય, પીડા ન થાય તે માટે લાળ ભેળવતી એક સોય અને લાલ લોહીને ચૂસી લેતી એક સોય સજ્જ હોય છે.
નર મચ્છર તો માત્ર ફૂલોની સુગંધ અને વનસ્પતિના રસ પર જીવતો સાદો પરાગ-વાહક છે. કરડવાનો અધિકાર માત્ર માદા પાસે છે, કારણ કે તેના ગર્ભમાં રહેલા ઈંડાંને પોષણ આપવા માટે માનવ રક્તના પ્રોટીન અને આયર્નની અનિવાર્યતા હોય છે. વજન વધ્યા વિના વધુ પ્રોટીન સંગ્રહ કરવા માટે તે લોહી ચૂસતી વખતે જ વધારાનું પ્રવાહી ત્વરિત ઉત્સર્જિત કરી દે છે.
આપણે છોડેલા શ્વાસનો કાર્બન ડાયોક્સાઇડ 50 ફૂટ દૂરથી પારખીને, શરીરની ઊર્જા અને પરસેવાના રસાયણોને શોધીને તે પોતાનું સરનામું નક્કી કરે છે. રસપ્રદ વાત એ છે કે, સંશોધનો મુજબ 'A' ગ્રૂપ કરતાં 'O' બ્લડ ગ્રૂપ તરફ તેમનું આકર્ષણ બમણું હોય છે.
આ એ જ જીવ છે જેણે ૧૦ કરોડ વર્ષ પહેલાં મહાકાય 'ટી-રેક્સ' ડાયનાસોરનું લોહી પણ ચાખ્યું હશે અને યુગના પ્રલયમાંથી પણ બચી નીકળ્યો. લંડન મેટ્રોની અંધારી ટનલોમાં પણ ક્યુલેક્સ મોલેસ્ટસ બનીને તેણે પોતાનું નવું વિશ્વ રચી લીધું.
સૌથી ઘાતક સત્ય એ છે કે, સિંહ, શાર્ક કે સાપ નહીં, પરંતુ ડેન્ગ્યુ, મેલેરિયા અને ઝિકા જેવા રોગો ફેલાવીને વર્ષે ૭ થી ૧૦ લાખ માનવ જિંદગીઓ છીનવી લેતો આ જીવ પૃથ્વી પરનો સૌથી ઘાતક સજીવ સાબિત થયો છે.
આજે ૨૦મી ઓગસ્ટે, જ્યારે સર રોનાલ્ડ રોસે મેલેરિયાનું રહસ્ય ખોલ્યું હતું તે દિવસને યાદ કરતાં, ચાલો પ્રકૃતિની આ રહસ્યમય કળા પ્રત્યે આશ્ચર્ય પણ વ્યક્ત કરીએ અને સ્વાસ્થ્ય પ્રત્યે એટલા જ જાગૃત રહીએ.
પાણીનો ભરાવો અટકાવીએ, સુરક્ષિત રહીએ! 
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો