શનિવાર, 8 ઑગસ્ટ, 2026

નીરજ ચોપરાએ ઓલમ્પિકમાં ભાલાફેંકની ફાઈનલમાં કમરે પહોળો બ્લેક બેલ્ટ કેમ બાંધેલો?

 


ગોલ્ડ મેડલીસ્ટ નીરજ ચોપરાએ ઓલમ્પિકમાં ભાલાફેંકની ફાઈનલ માટે ક્વોલીફાય થવા કરેલા બધા થ્રોમાં અને ગોલ્ડ જીતી લાવનાર થ્રોમાં કમરે એક પહોળો બ્લેક બેલ્ટ બાંધેલો છે...શા માટે ખ્યાલ છે? સૌરાષ્ટ્રના ઇતિહાસની ઘટનાઓ સાથે એનું કારણ સમજીએ.

વાત બહુ લાંબી છે પણ ટૂંકમાં પકડીને ચાલીએ તો...કચ્છમાંથી જામ રાવળ સૌરાષ્ટ્રમાં ઉતરી આવ્યા પછી #જામનગર આજુબાજુના વિસ્તારમાં એમની આણ વર્તાવા લાગી-સત્તા સ્થાપી દીધી ત્યારે જામને પાછા ઠેલવાના અંતિમ પ્રયાસો રૂપે ખંભાળિયા પાસે મીઠોઈમાં એક યુદ્ધ થયું, જામથી જેમને નુકસાન થયું અને થવાનું હતું એવા સૌરાષ્ટ્રના ઘણા નાનામોટા રજવાડાઓની સેના હતી, તો સામે જામ રાવળ અને એમના ભાઈઓ હરધ્રોળજી,રવોજી, મોડજીની સેના ઉપરાંત કચ્છથી ભાયું-ભાયાતો મદદે આવેલા. એમાં કચ્છ ભદ્રેસરથી હાલા શાખનો એક યુવાન રાજપૂત આવેલો જેનું નામ મેરામણજી, જેને હજુ સરખો મૂછનો દોરો ય નથી ફૂટ્યો, જામ સહીત સૌએ એની ઉપર મરમ કર્યો કે, "આ છોકરડાઓ શું હાલ્યા આવ્યા, આ તો ખાંડાના ખેલ છે-અહીં માસીના ઘરે જમવાનું નથી કઈ ! " જુવાન સુનમુન સાંભળતો રહ્યો...
જામની સામેની સેનામાં ઘણી તોપ છે જેની ઝીંક જીલવી જામની સેના માટે મોટો પડકાર છે તો ત્રણ જણ તૈયાર થયા કે, અમે જઈને સૌરાષ્ટ્રની સેનાની તોપના કાનમાં ખીલા ધરબી દઈએ. આ ત્રણેય જુવાનો દુશ્મન દળમાં પ્રવેશીને માથે ઘા વરસતા હતા છતાં હથોડી અને નાગફણી લઇ તોપોના કાન ઠોકીને નકામી કરવા લાગ્યા....ને આખરે વીરગતિ પામ્યા...આવું અદભૂત પરાક્રમ જોઇને ભાણ જેઠવાએ પૂરી સેનામાં બીડું ફેરવ્યું કે શત્રુઓ તો એમનું કામ કરી ગયા-આપણી વચ્ચે ઘૂસીને આપણી જ તોપુના કાનમાં ખીલા ધરબી દીધા. હવે આપણામાં કોઈ છે જે જઈને સ્વયં જામને ભાલો ધરબી દે...એક માણસ ઉભો થયો કરશન જામ્બવાંચો. જામ્બવાંચો ભાલા પર શાંતિવાર્તાનો સફેદ ધ્વજ ચડાવીને ઘોડે પલાણી જામની સેનામાં આવ્યો કે, "ભાણ જેઠવાનો આ કાગળ જામને હાથોહાથ આપવાનો છે." જામની રાવટી બહાર જામ રાવળ જેવા જ દેખાતા જામના ભાઈ હરધ્રોળજી નહાવાની તૈયારી કરે છે, એણે આ કાગળ લાવનાર જોઇને કહ્યું કે, "લાવો, હું જ જામ રાવળ છું..."
હરધ્રોળજી કાગળ વાંચવામાં પડ્યા, પહેરાદારો ય જરાક ગાફેલ બન્યા કે કરશનજીએ આંખના પલકારામાં ભાલો ઉપાડીને હરધોળજીની ખુલ્લી પીઠમાં ઉતારી દીધો ને કોઈ કાઈ સમજે એ પહેલા ઘોડે પલાણી ભાગી નીકળ્યો...વાંહે જામની સેના પડી...પણ અંતર પડી ગયું છે...એટલામાં નદી કાંઠે પેલા જુવાન મેરામણજી નદીમાં પોતિયા ભર ઉભા ઉભા ઘોડી પટ્ટીને નવડાવે છે એણે આ દુશ્મનને ભાગતા જોયો, પાછળ આવતા અવાજો- "જો જો દુશ્મન જાય નહિ..." સાંભળ્યાને એક પળમાં આખો મામલો પામી લીધો, પાસે પથ્થરના ટેકે પડેલી બરછી ઉપાડી અને એમ જ પોતિયા ભર પટ્ટીએ ચડ્યા...પટ્ટી એડી ચોટીનું જોર લગાવીને દુશ્મન માથે ઠેકી- મેરામણજીએ બધા મરમ અને મેણાનો જવાબ આપતા હોય એમ આખા ય શરીરનું સઘળું જોર એક હાથમાં જ ભેગું કરીને જે બરછીનો ઘા કર્યો કે કરશનજીને ઘોડી સોતો જમીન સાથે જડી દીધો...
પણ ઘોડીએ એટલું જોર કરીને ઠેક લગાવી કે, પટ્ટીના ડાબલા નીકળી ગયા, મેરામણજીએ એટલી તાકાત લગાવી કે એના પેટના આંતરડા બહાર આવી ગયા...ને એ પળને બિરદાવતું જાણીતું શૌર્યગીત આવ્યું કે "હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું..."
નીરજ ચોપરાએ પણ ફાઈનલમાં જ્યારે ભાલાનો આ ઘા કર્યો હશે ત્યારે એટલું જોર લગાવ્યું હોય કે જો આ પહોળો અબ્ડોમીનલ બેલ્ટ ના પહેર્યો હોય તો બને કે એમના એબ્સ કે આંતરડા ય બહાર ધસી આવે...યાદ કરો કે હાલાજીએ માત્ર પોતિયું પહેર્યું હતું...જુના વખતમાં ક્ષત્રિયો કમર પર એક કપડું ભેટ રૂપે બાંધતા, એનું એક કારણ આ જ કે જોર લગાવીએ ત્યારે પેટના સ્નાયુઓ બહાર ના ધસી આવે. કસરત કે વજન ઊંચકતી વખતે જેટલું મહત્વ લંગોટ કે સપોર્ટરનું છે એટલું મહત્વ અમુક એકસરસાઈઝ અને ગેમ્સમાં આ એબ્ડોમિનલ બેલ્ટનું છે. ખાસ તો વેઇટ લીફટીંગમાં...જ્યારે કોઈ ખુબ જ વજન ઉપાડે ત્યારે એમનું પેટ બહારની તરફ જોર કરે...લાગે કે હમણા ફાટી જશે...આ બેલ્ટ એની રક્ષા માટે છે.

સૌરાષ્ટ્રની રસધારમાં આલેક કરપડાના પરાક્રમ અદભૂત આલેખાયા છે, જેમાં છેલ્લે એક યુદ્ધમાં આલેક કરપડા પર પાંત્રીસ ઘા થાય છે, પેટના સ્નાયુઓ ઢગલો થઇ જાય એમ બહાર આવી જાય ત્યારે આલેકઆપા એ બધા સ્નાયુઓને ફરી અંદર મુકીને માથે કસકસાવીને ભેટ બાંધી દે છે, પછી પિતાના કહેવાથી ધીમે ધીમે કરતા દોઢ દિવસ સુધી જીવ જતો રોકી રાખે છે, છેલ્લે પોતાની અંતિમ યાત્રામાં ય પોતે ભાલો પકડીને ચાલીને જાય છે ને ત્યાં આખરી મુકામે પહોચતા ભેટ છોડી નાખે ને એ સાથે જ બધા આંતરડા બહાર ઢગલો થઇ જાય અને આલેક કરપડાનો પ્રાણ છૂટી જાય છે.
(સૌજન્ય : વોટ્સએપ) તથા ( શ્રી કાનજી મકવાણાની ફેસબુક પોસ્ટ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો