શનિવાર, 22 ઑગસ્ટ, 2026

રવીન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ અને હાર્મોનિયમ વચ્ચે શું સબંધ?




 રવીન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ અને હાર્મોનિયમ વચ્ચે શું સબંધ?


આમતો કોઈ સીધો સંબંધ નહીં પણ ત્રણે વચ્ચેનો સંબંધ જાણવા માટે હાર્મોનિયમનો ઇતિહાસ જાણવો પડે !@
હિંદુસ્તાની સંગીત અને હાર્મોનિયમનો સંબંધ શરીર અને આત્મા જેવો છે. ભલભલા ઉસ્તાદોને એની સંગત વગર ચાલતું નથી. મંદિર, દરગાહ, ચર્ચ કે ગુરુદ્વારા બધે જ હાર્મોનિયમ તો નજરે ચડે જ. ગલી ગલી ફરીને ગાવા- વગાડવા વાળો કોઇ કલાકાર હોય કે કોઇ મહાન ગાયક બધાની સાથે હોય છે- હાર્મોનિયમ. ભારતીય ઉપખંડના સૌથી લોકપ્રિય વાદ્ય તરીકે હાર્મોનિયમએ ઓળખ મેળવી છે. જો કે આ પ્રતિષ્ઠા અને સ્વિકૃતિ સરળતાથી નથી મળી. હિંદુસ્તાની સંગીતમાં પોતાનું સ્થાન બનાવવા માટે હાર્મોનિયમ એ લાંબી લડાઈ લડવી પડી છે.@
આજે તો હાર્મોનિયમ એટલું ભારતીય બની ગયું છે કે મોટાભાગના લોકો માને છે કે તેની શોધ ભારતમાં થઈ હતી. પરંતુ એવું નથી, અનેક વિરોધોનો સામનો કરીને હાર્મોનિયમે ભારતમાં પોતાની જાતને સ્થાપિત કરી છે.@
પણ, આ હાર્મોનિયમની કથામાં ગુરુદેવ ટાગોર અને પંડિત નહેરુ ક્યાં આવ્યા??? આવે છે...😊 એમની વાત પણ આવે છે.@

1700 ના શરુઆતના દાયકામાં યુરોપમાં હાર્મોનિયમની શોધ થઈ હતી. એક સમયે આ સાધન લુપ્ત થવાના આરે હતું, પરંતુ પછી તેને ફ્રાન્સમાં નવું જીવન મળ્યું. ઘણા લોકો એલેક્ઝાન્ડ્રે ડેબેનને હાર્મોનિયમના શોધક માને છે.@
19મી સદીના અંતમાં, પશ્ચિમી વેપારીઓ ભારતમાં હાર્મોનિયમ લાવ્યા. અગાઉ તે મોટાભાગે ચર્ચનું વાદ્ય હતું. કદમાં તે ખુબ મોટું હતું અને તેને પગ વડે હવા ફુંકવામાં આવતી. 1875માં બંગાળની દ્વારકિન એન્ડ સન્સ કંપનીના દ્વારકાનાથ ઘોષે હાર્મોનિયમને હાથથી હવા ભરી શકાય તે રીતે વિકસાવ્યું. એ પછી ભારતમાં તેની ખ્યાતિ ઊંચાઈઓને આંબી ગઈ.@
આ એ સમય હતો જ્યારે હાર્મોનિયમ ધીમે ધીમે યુરોપમાંથી અદૃશ્ય થઈ રહ્યું હતું, પરંતુ ભારતીય સંગીતકારોની પ્રથમ પસંદગી બની રહ્યું હતું. 1915 સુધીમાં ભારત વિશ્વમાં આ વાદ્યનું અગ્રણી નિર્માતા બન્યું અને તે ધીમે ધીમે ભારતીય સંગીતનો અભિન્ન ભાગ બની ગયું.@
સમય જતાં તેનું સ્વરૂપ પણ બદલાયું અને તે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું વાદ્ય બની ગયું. 19મી સદીના અંતમાં હાર્મોનિયમને ખાસ કરીને પારસી અને મરાઠી મંચ સંગીતમાં સ્થાન મળ્યું, કારણ કે તેને સંભાળવું, શીખવવું અને વગાડવું ખૂબ જ સરળ હતું.@
જો કે આ સમયે જ તેની સામે અવાજ ઉઠવા લાગ્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરથી લઈને જવાહરલાલ નેહરુ તેના વિરોધમાં હતા. હાર્મોનિયમ તેની લોકપ્રિયતાની ટોચ પર હતું, પરંતુ શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા ઘરાનાઓ તેને સ્વીકારવા તૈયાર ન હતા.@
લોકો તેને ભારતીય શાસ્ત્રીય સંગીત માટે હાનિકારક માનતા હતા. થોડાં વર્ષો પછી મહાત્મા ગાંધીના સ્વદેશી આંદોલનને કારણે હાર્મોનિયમ વિરુદ્ધ વાતાવરણ ઊભું થવા લાગ્યું. તે 1939નું વર્ષ હતું.@
19 જાન્યુઆરી, 1940ના રોજ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પણ હાર્મોનિયમ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે ઓલ ઈન્ડિયા રેડિયોના કોલકાતા સ્ટેશનના ડાયરેક્ટર અશોક કુમાર સેનને લખ્યું, 'પ્રિય અશોક, હું હંમેશા સંગીતની સંગતમાં હાર્મોનિયમના પ્રચલિત ઉપયોગની વિરુદ્ધ રહ્યો છું. તેને અમારા આશ્રમમાંથી સંપૂર્ણપણે દૂર કરાયું છે. જો તમે તેને ઓલ ઈન્ડિયા રેડિયોના સ્ટુડિયોમાંથી પ્રતિબંધિત કરી શકો, તો તે ભારતીય સંગીતની એક મહાન સેવા હશે.'@
ગુરુદેવ ઉપરાંત ઘણા સાહિત્યકારોએ પણ હાર્મોનિયમ પર પ્રતિબંધ મૂકવા માટે પત્રો લખ્યા હતા. આ માટે વિવિધ સ્થળોએ બેઠકો થવા લાગી હતી. સ્વાતંત્ર્ય સેનાની તરીકે જવાહરલાલ નેહરુ પણ હાર્મોનિયમ પર પ્રતિબંધની તરફેણમાં હતા. ભારતીય પ્રસારણના પ્રથમ કંટ્રોલર ઓફ બ્રોડકાસ્ટિંગ, લિયોનેલ ફિલ્ડનએ તો તે પહેલાં જ તેને ભારતીય શાસ્ત્રીય સંગીતને નુકશાનકારક જાહેર કરી દીધું હતું.@

ઓલ ઈન્ડિયા રેડિયોના દિલ્હી સ્ટેશન પર વેસ્ટર્ન મ્યુઝિકના ડિરેક્ટર જ્હોન ફોલ્ડ્સ અને મુંબઈ સ્ટેશન પર વોલ્ટર કોફમેન પણ ભારતીય સંગીત માટે હાર્મોનિયમને બિનજરૂરી માનતા હતા. આ પછી, 1 માર્ચ, 1940 ના રોજ, ઓલ ઈન્ડિયા રેડિયો તરફથી એક પરિપત્ર જારી કરીને, ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ કેન્દ્રોમાં હાર્મોનિયમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.ઓર્ડરમાં સ્પષ્ટ લખ્યું હતું કે, ઓલ ઈન્ડિયા રેડિયોમાં રિયાઝ માટે કોઈ હાર્મોનિયમ લાવી શકશે નહીં. જે આકાશવાણી કેન્દ્રો પાસે આ વાદ્ય છે તેમણે તેની હરાજી કરી નિકાલ કરી દેવો.@
હાર્મોનિયમના વિરોધીઓ હતા તો તેના સમર્થકો પણ ઉભા થયા. મોટી સંખ્યામાં કલાકારો અને હાર્મોનિયમ બનાવતી કંપનીઓએ વિરોધ શરૂ કર્યો.@
જ્યારે ડૉ. ગોપાલ રેડ્ડી માહિતી પ્રસારણ મંત્રી બન્યા ત્યારે તેમની સામે હાર્મોનિયમ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ ઉઠવા લાગી. કેટલાક લોકોએ પૂણેમાં ડૉ. રેડ્ડીનો ઘેરાવ પણ કર્યો, પરંતુ તેમણે પ્રતિબંધ હટાવ્યો નહોતો.@
વર્ષ 1970માં આ મુદ્દે એક સેમિનાર યોજાયો હતો.તેમાં મોટા સંગીતકારો અને નિષ્ણાતો આવ્યા. ઉકેલ એ આવ્યો કે માત્ર એક પ્રયોગ તરીકે હાર્મોનિયમનો ઉપયોગ ઉચ્ચ કક્ષાના કલાકારો સાથે સાથી વાદ્ય તરીકે કરવો અને એકલ સાધન તરીકે હાર્મોનિયમનું પ્રસારણ ઉચ્ચ કોટિના હાર્મોનિયમ વાદક દ્વારા જ થવું જોઈએ. આ પછી પ્રતિબંધ આંશિક રીતે હટાવી લેવામાં આવ્યો હતો.
પરંતુ, પ્રતિબંધને સંપૂર્ણપણે હટાવવાની માંગ ચાલુ રહી. છેવટે, 40 વર્ષ પછી, 18 એપ્રિલ 1980ના સાંજના સમાચાર બુલેટિનમાં હાર્મોનિયમ પરના તમામ પ્રતિબંધો ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી.@
જો ટાગોર, નહેરુની માંગણી સ્વીકારવામાં આવી હોત તો જગજીતસિંઘ કે ગુલામ અલી કે પંકજ ઉધાસ કોઈને આપણે આ રીતે હાર્મોનિયમ સાથે મંચ પર જોતા ન હોત....@

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો