સોમવાર, 31 ઑગસ્ટ, 2026

દીકરીઓના દમ પર ઓળખાય છે ગુજરાતનું આ ગામ




‘ફૂટબૉલવાળી છોકરીઓનું ગામ’ મહાદેવપુરાની અદ્ભુત પ્રેરણાદાયી કહાણી!
****
કહેવાય છે કે જો દીકરીઓને ઊડવા માટે પાંખો આપવામાં આવે તો તેઓ અસંભવને પણ સંભવ કરી બતાવે છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલું નાનકડું ‘મહાદેવપુરા’ ગામ આજે આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. જે ગામની દીકરીઓ ક્યારેય ગામની સીમ પણ ઓળંગતી નહોતી, તે આજે રાષ્ટ્રીય સ્તરે ફૂટબૉલના મેદાનમાં પોતાનો ડંકો વગાડી રહી છે. એક સમય હતો જ્યારે બાળાઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેતી હતી, પરંતુ આજે ફૂટબૉલની રમતે સમગ્ર ગામનું ચિત્ર બદલી નાખ્યું છે અને મહાદેવપુરાને ‘ફૂટબૉલવાળી છોકરીઓનું ગામ’ તરીકે સમગ્ર રાજ્યમાં નવી ઓળખ અપાવી છે.
આ અનોખા પરિવર્તનની શરૂઆત વર્ષ ૨૦૧૦માં થઈ હતી, જ્યારે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભની જાહેરાત કરવામાં આવી. ગામની પ્રાથમિક શાળાના શિક્ષક રંગતજી ઠાકોર પાસે પોલીસ વિભાગ તરફથી મળેલો એક ફૂટબૉલ પડ્યો હતો. વ્યાયામ શિક્ષકોના સૂચનથી તેમણે શાળાની અંડર-૧૪ કન્યાઓની ટીમ બનાવીને સ્પર્ધામાં ઉતારવાનો નિર્ણય કર્યો. શાળાની બાળાઓએ પ્રથમ વાર સ્પર્ધામાં ભાગ લીધો અને પાટણ જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવી સૌને ચોંકાવી દીધા. વિજેતા બનીને મળેલો ₹૩,૦૦૦નો ચેક દીકરીઓ માટે મોટું પ્રોત્સાહન બન્યો. ત્યારબાદ અંકલેશ્વરમાં યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં આ ટીમ સેમી-ફાઇનલ સુધી પહોંચી. ત્યાં ઉપસ્થિત નિષ્ણાતો અને કોચિંગ સ્ટાફે બાળાઓનું કૌશલ્ય જોઈને તેમને નિયમિત પ્રશિક્ષણ આપવાની સલાહ આપી. આ સલાહને સ્વીકારીને શિક્ષક રંગતજી ઠાકોરે શાળા છૂટ્યા પછી સાંજે મેદાનમાં નિઃશુલ્ક તાલીમ આપવાનું શરૂ કર્યું.
ધીમે ધીમે ફૂટબૉલ દીકરીઓના જીવનનો અભિન્ન ભાગ બની ગયો. સાંજની પ્રેક્ટિસ ઉપરાંત રિસેસમાં પણ તેઓ ફૂટબૉલ રમવા લાગી. આજે શાળામાં અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન કેટેગરીની ટીમો કાર્યરત છે, જેમાં શાળાથી માંડીને કૉલેજમાં ભણતી ૬૦ જેટલી યુવતીઓ રમી રહી છે. રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાત સરકારની સ્પોર્ટ્સ એક્સલન્સ યોજના હેઠળ ૪ દીકરીઓને દર મહિને ₹૪,૫૦૦નું સ્ટાઇપન્ડ અને મુસાફરી ભથ્થું પણ મળવા લાગ્યું. આ સ્કોલરશિપ અને પ્રોત્સાહનને કારણે વાલીઓમાં પણ જાગૃતિ આવી અને જે દીકરીઓ ગામ બહાર નહોતી જતી, તેઓ રમતની સાથે કૉલેજ સુધીનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરતી થઈ.
વર્ષ ૨૦૧૦થી અત્યાર સુધીમાં ગામની ૧૦૦થી વધુ દીકરીઓ ફૂટબૉલ શીખી ચૂકી છે, જેમાંથી બાવન દીકરીઓ રાષ્ટ્રીય સ્તરે રમી આવી છે અને ૨૦ દીકરીઓએ નૅશનલ મેડલ મેળવ્યા છે. રાજ્યકક્ષાની ૬૦ જેટલી ટૂર્નામેન્ટોમાં ટોપ-૩માં સ્થાન મેળવવાની સાથે ૨૦૧૪થી અવિરતપણે આ ગામની દીકરીઓ ગુજરાત રાજ્યની ટીમમાં સિલેક્ટ થઈ રહી છે. તેઓ ‘ખેલો ઇન્ડિયા’ અને ‘સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ઓડિશા, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોમાં રમીને મેડલ જીતી રહી છે.
કૉલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી કમુ ઠાકોર જેવી ખેલાડી પોતાની મોટી બહેન શિલ્પાને જોઈને ચોથા ધોરણથી રમતી થઈ અને વર્ષ ૨૦૨૧માં હરિયાણા તેમજ ઓડિશાના કટકમાં બ્રૉન્ઝ મેડલ જીતીને નવી પેઢી માટે પ્રેરણારૂપ બની છે. તેનો સંદેશ છે કે દરેક દીકરીએ અભ્યાસની સાથે રમતમાં પણ રસ કેળવવો જોઈએ. એક શિક્ષકનું સમર્પણ અને દીકરીઓની અથાક મહેનતે મહાદેવપુરાને આજે દેશભરમાં ગૌરવ અપાવ્યું છે. 🇮🇳👏
(Courtesy: MidDay Gujarati : Shailesh Nayak)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો