સોમવાર, 17 ઑગસ્ટ, 2026

રસેશ્વર અને રાસેશ્વરનું મંચ પર અવતરણ : રાજાધિરાજ



ઘણા મિત્રોએ પૂછ્યું કે, રાજાધિરાજમાં શું છે? મારે માત્ર એટલું જ કહેવું છે કે, એક વૈશ્વિક કક્ષાના મ્યુઝિકલમાં હોવું જોઈએ એવું શું નથી એમાં?
સમૃધ્ધ સ્ટોરીટેલિંગ, આશ્ચર્યજનક વિઝ્યુઅલ્સ, હ્રદયના તાર ઝણઝણાવી દે તેવું સંગીત અને રસ તરબોળ કરી દે તેવા અનુભવની ખાતરી ! આ છે રાજાધિરાજમાં.
શ્રૃતિ શર્માના નિર્દેશનમાં થયેલ આ larger than life પ્રોડક્શનમાં 180 કરતાં વધારે કલાકારોની પ્રતિભા શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપોનું સંકલન મંચ પર જીવંત બનાવે છે.
આ સંગીતનાટિકાની પટકથા અને ગીતો પદ્મશ્રી સન્માનિત પ્રસૂન જોશીએ તૈયાર કર્યાં છે.
પ્રસિધ્ધ સંગીતકાર બેલડી સચિન-જીગર દ્વારા સંગીતબદ્ધ કરાયેલ 20 ઓરિજિનલ ગીતોનો હૃદયસ્પર્શી સાઉન્ડટ્રેક એ તેની સમૃદ્ધિનું એક કારણ છે.
પ્રોડક્શન ડિઝાઇનિંગ એવોર્ડ-વિજેતા બોલિવૂડ પ્રોડક્શન ડિઝાઈનર ઓમંગ કુમારે તથા કોસ્ચ્યુમ ડિઝાઈન નીતા લુલ્લાએ કર્યા છે.
પાર્થિવ ગોહિલ અને વિરલ રાચ્છ ક્રિએટિવ પ્રોડ્યુસર્સ છે, જ્યારે પટકથા સંશોધન રાષ્ટ્રીય પુરસ્કાર-વિજેતા લેખક રામ મોરીએ કર્યું છે.
કોરિયોગ્રાફર્સ બર્ટવિન ડી'સોઝા અને શમ્પા ગોપીક્રિશ્નાની અતિસુંદર નૃત્ય શ્રેણીઓને 60થી વધુ નૃત્યકારોએ પ્રસ્તુત કરી છે, તે કૃષ્ણની રંગોના વૈવિધ્યથી ભરપૂર દુનિયામાં ગરકાવ કરી દે છે.
વિભોરે ખંડેલવાલ વિઝ્યુઅલ કન્ટેન્ટ ડાયરેક્ટર, હેમાંગ વ્યાસ કાસ્ટિંગ અને ડ્રામા ડાયરેક્ટર, અક્ષત પરીખ વોકલ કોચ, પલ્લવી દેવિકા કેશ અને મેકઅપ ડિઝાઈનર છે તથા અલોયસિયસ ડી'સોઝા લાઈટ પ્રોડ્યુસર છે.
એક જ પ્રોડક્શનમાં આટલી બધી નામાંકિત હસ્તિઓ જોડાયેલી હોય પછી તો શું બાકી રહે?
વિશ્વનાં ઉત્તમ સભાગૃહો પૈકીનાં એક એવાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં
“રાજાધિરાજ: લવ લાઈફ લીલા" સંગીત નાટિકાના ભવ્ય પ્રીમિયર શોમાં નાથદ્વારા ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ પ.પૂ. તિલકાયત ગોસ્વામી શ્રી રાકેશજી મહારાજશ્રી અને નાથદ્વારા મંદિરમાં તેમના વારસદાર તથા શ્રીનાથજી મંદિરના પરિચારક શ્રી ભૂપેશકુમારજીએ (વિશાલ બાવા)એ સહપરિવાર ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.



“અવતારકાળમાં પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની તેમની જન્મભૂમિથી કર્મભૂમિ સુધીની યાત્રા તેમજ અનાવતારકાળમાં પ્રભુ શ્રીનાથજી તરીકે જાણીતા નિકુંજનાયક શ્રી ગોવર્ધનધરની વ્રજથી મેવાડ સુધી યાત્રાને અદ્દભુત અને અલૌકિક રીતે પ્રસ્તુત કરાઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ તો મારા, તમારા અને સહુના છે. હું આશા રાખું છું કે આ મેગા મ્યુઝિકલનું ભક્તિ સંગીત માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરના દરેક ઘરમાં વાગતું રહેશે. રાધાજી માટે ભગવાન શ્રી કૃષ્ણના તથા રૂકમણીજી માટે દ્વારિકાધીશના પ્રેમની અભિવ્યક્તિનું જે રીતે મિશ્રણ કરાયું છે તે મારા હૃદયને સ્પર્શી ગયું છે” એમ શ્રીનાથજી મંદિરના વારસદાર તથા પરિચારક શ્રી ભૂપેશકુમારજીએ (વિશાલ બાવા) જણાવ્યું હતું.
ગ્રાન્ડ પ્રિમિયરમાં ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત અને “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ના પ્રોડ્યુસર શ્રી ધનરાજ નથવાણીએ આનંદની અભિવ્યક્તિ કરતા જણાવ્યું હતું કે: “આ સંગીતમય મહાનાટિકાના પ્રિમિયર તથા પ્રથમ શોને સાંપડેલા અભૂતપૂર્વ પ્રતિસાદને અમે આશીર્વાદરૂપ ગણીએ છીએ. શ્રી કૃષ્ણની રસ તરબોળ કરતી અને વિસ્મયકારક દિવ્ય કથાની પ્રસ્તુતિ દરમિયાન પ્રેક્ષકો ભાવવિભોર બની ગયા હતા. અમારું સૌથી મોટું કોમ્પ્લિમેન્ટ એ હતું કે એક પણ વ્યક્તિ એવી ન હતી જે સંગીત અને સ્ટેજ પરથી જ live ગવાતા ગીતોથી રોમાંચિત ન થયું હોય. અમારી અપેક્ષા હતી કે, આ કથા ઉત્તમ રીતે લોકો સુધી અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે અને તે ઇચ્છા પૂર્ણ થઈ છે. આ એક એવી સંગીતનાટિકા છે, જેણે આબાલવૃદ્ધ સહુને આકર્ષ્યા છે."
ભગવાન કૃષ્ણની ભવ્ય અને સંમોહક દૈવી પ્રેમ, જીવન અને લીલાની અનુભૂતિમાં દર્શકો ગરકાવ થઈ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણને તેમના દૈવી સ્વરૂપો એટલે કે લડ્ડુ ગોપાલ, શ્રીનાથજી અને રાજાધિરાજના સ્વરૂપમાં નિહાળીને ધન્યતા અનુભવતા દર્શકોએ દિલથી દાદ આપીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર શ્રીમતી ભૂમિ નથવાણીએ એમનાં આ સર્જન માટે સંતોષ વ્યક્ત કર્યો અને પાત્રોને જીવંત કરવામાં સફળ થવા બદલ કલાકારોને અભિનંદન અને સ્ટેજ પરથી જ કલાકારો દ્વારા ગવાતાં ગીતોને જે રીતે પ્રેક્ષકોનો પ્રેમ મળ્યો છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રીમિયરમાં ઉપસ્થિત રહેલા આમિરખાન અને હેમા માલીનીથી માંડીને બોલીવુડના કલાકારો, નાટ્ય, નૃત્ય , સંગીતના ક્ષેત્રના દિગ્ગજો, રાજકીય અગ્રણીઓ, ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ સહિતના સૌના નામ લખવા બેસીએ તો સભાગૃહની તમામ 2000 સિટ્સ પર એવા લોકો હતા કે જેમના નામોનો ઉલ્લેખ કરવો જ પડે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો