મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

'બકરું કાઢતાં ઊંટ પેઠું’ – એ આનું નામ !


જાપાનના કાગોશિમા પ્રાંતમાં અમામી ઓશિમા (Amami Oshima) નામનો એક અત્યંત સુંદર, વૈવિધ્યસભર અને પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ ઉપ-ઉષ્ણકટિબંધીય (subtropical) ટાપુ છે. આ ટાપુને તેની અનોખી અને સમૃદ્ધ જૈવવિવિધતાને કારણે યુનેસ્કો દ્વારા વિશ્વ પ્રાકૃતિક ધરોહર સ્થળ(UNESCO World Heritage Site) તરીકે માન્યતા આપવામાં આવી છે. પારદર્શક નીલા રંગનો સમુદ્ર (Emerald Green Waters), સ્કૂબા ડાઇવિંગ, પ્રાચીન કિલ્લાઓ (Gusuku Sites), પરંપરાગત સંગીત (સાનશિન વાદ્ય) અને વિશિષ્ટ લોકસંસ્કૃતિને કારણે આ ટાપુઓ વિશ્વભરના પ્રવાસીઓ માટે લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે.

વાત છે ઈ.સ. ૧૯૭૯ના સમયખંડની. અમામી ઓશિમા ટાપુ પર વસતા ખેડૂતો અને સ્થાનિક લોકો અત્યંત ઝેરીલા ‘હાબૂ’ સાપના દંશથી થરથર કાંપતા હતા. આ ભયંકર વિષધરોથી મુક્તિ પામવા માટે એક ઉપાય વિચારાયો—ભારતમાંથી અંદાજે ત્રીસ જેટલા ચપળ નોળિયા ટાપુ પર લાવીને છોડવામાં આવ્યા.ગણતરી એવી હતી કે નોળિયા અને સાપની શાશ્વત વેરભાવના ઝેરીલા સાપના ત્રાસનો અંત લાવશે. પરંતુ માનવીય ગણતરીઓ કુદરતના નિયમો સામે નિષ્ફળ નીવડી. બંને જીવોની જીવનશૈલી સાવ વિપરીત હતી; હાબૂ સાપ નિશાચર હતો અને અંધકારમાં શિકાર કરતો, જ્યારે નોળિયો સૂર્યના અજવાળામાં વિહરતો.

પરિણામે, ઝેરી સાપ સામે સંઘર્ષ કરવાને બદલે નોળિયાઓએ ટાપુના નિદોઁષ અને શાંત પક્ષીઓ, નાના સસ્તન જીવો, ઉભયજીવીઓ તેમજ સરીસૃપોનો આડેધડ સંહાર શરૂ કર્યો. નહોતો કોઈ પ્રતિસ્પર્ધી કે નહોતો કોઈ શિકારી જીવનો ડર! ભરપૂર આહાર અને નિર્ભય વાતાવરણ વચ્ચે વર્ષ ૨૦૦૦ સુધીમાં નોળિયાઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધીને દસ હજારને આંબી ગઈ. જોતજોતામાં ટાપુના ૮૦ ટકા હિસ્સા પર આ આક્રમક જીવોનું એકચક્રી શાસન સ્થપાઈ ગયું.

આ અનિચ્છનીય વસ્તીવિસ્ફોટને કારણે દ્વીપસમૂહની દુર્લભ જૈવવિવિધતા લુપ્ત થવાના આરે આવી પહોંચી. અમામીનું અનોખું સસલું, અમામી વુડકોક પક્ષી, લાંબા વાળવાળા ઉંદરો અને ઈશિકાવા દેડકાઓ નોળિયાઓનો આસાન શિકાર બનવા લાગ્યા. નેવુંના દાયકાના અંત સુધીમાં તો અમામી સસલાં માત્ર દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં જ માંડ બચવા પામ્યાં. પરિસ્થિતિની ગંભીરતા પારખીને જાપાન સરકારે નોળિયાને ‘વિશિષ્ટ આક્રમક વિદેશી પ્રજાતિ’ જાહેર કરી તેમના સંપૂર્ણ નિકંદનનો નિર્ણય લીધો.

વર્ષ ૨૦૦૦થી શરૂ થયેલા આ મહાઅભિયાનમાં વર્ષ ૨૦૦૫માં ‘અમામી મોંગૂઝ બસ્ટર્સ’ નામક વિશેષ દળનું ગઠન થયું. ગાઢ અરણ્યોમાં ત્રીસ હજારથી વધુ પાંજરાં, મોશન-સેન્સર કેમેરા અને ખાસ પ્રશિક્ષિત શ્વાનોની ફોજ તૈનાત કરવામાં આવી. આ અવિરત તપશ્ચર્યાના ફળસ્વરૂપે એપ્રિલ ૨૦૧૮માં ટાપુ પરથી છેલ્લો નોળિયો પકડાયો. ત્યારબાદ પણ સતત છ વર્ષ સુધી અત્યાધુનિક કેમેરા, માટીના પર્યાવરણીય ડીએનએ (eDNA) પરીક્ષણ અને સઘન નિરીક્ષણ પછી જાપાનના પર્યાવરણ મંત્રાલયે ૭૧૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ યુનેસ્કો વિશ્વ ધરોહર ટાપુને ભારતીય નોળિયાના ત્રાસમાંથી કાયમ માટે મુક્ત જાહેર કર્યો.

આજે અમામી ઓશિમાની ધરતી પર પ્રકૃતિ ફરીથી પોતાનો પૂર્વવત્ વૈભવ પ્રગટાવી રહી છે. એક સમયે વિલુપ્ત થવાની અણી પર આવી ગયેલાં અમામી સસલાં, વુડકોક અને સ્થાનિક દેડકાઓ ફરી મુક્ત મને તળેટીના વિસ્તારોમાં કિલ્લોલ કરી રહ્યા છે—જે માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંતુલનની એક ઐતિહાસિક વિજયગાથા સમાન છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો